જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં બે સ્પેશિયલ પોલીસ ઓફિસર (SPO)ના મૃતદેહ મળી આવ્યા બાદ રાજકીય વિવાદ શરૂ થયો છે. ભાજપના ધારાસભ્ય શગુન પરિહારે દાવો કર્યો છે કે હત્યા પહેલાં મસ્જિદમાંથી જાહેરાત કરવામાં આવી હતી. જ્યારે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ તારિક હમીદ કર્રાએ આરોપ લગાવ્યો છે કે સેનાના જવાનોએ ભૂલથી ગોળીબાર કર્યો, જેમાં બંને પોલીસકર્મીઓનાં મોત થયાં. સેનાએ આ મામલે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી.
કિશ્તવાડના દચ્છન વિસ્તારના જંગલમાં ગુરુવારે સવારે SPO બોબી ચંદ (57) અને રશપાલ કુમાર (45) મૃત હાલતમાં મળી આવ્યા હતા. બંને એક દિવસ પહેલાં ગુમ થયા હતા અને મરવાહ તહસીલના બસનંદમાં આવેલી સુરક્ષા ચોકી તરફ જઈ રહ્યા હતા. તેમના મોતને લઈને શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં ધારાસભ્ય પરિહારનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તેઓ કથિત રીતે કહેતા સંભળાય છે કે હત્યા પહેલાં મસ્જિદમાંથી જાહેરાતો થઈ હતી અને ગુપ્ત માહિતી લીક થઈ રહી છે.
બીજી તરફ, કોંગ્રેસ નેતા કર્રાએ દાવો કર્યો છે કે બંને SPO બંદૂક લઈને શિકાર કરવા ગયા હતા અને તેમણે પોલીસનો યુનિફોર્મ પહેર્યો ન હતો. જંગલમાંથી પરત ફરી રહ્યા હતા ત્યારે સેનાના જવાનોએ તેમને આતંકવાદી સમજીને ગોળીબાર કર્યો. ભાજપના પ્રવક્તા અલ્તાફ ઠાકુરે આ દાવાને ફગાવતાં કહ્યું કે સેનાના જવાનો ઓળખની પુષ્ટિ કર્યા વિના ગોળીબાર કરતા નથી.
ભાજપના જ નેતા જહાનઝૈબ સિરવાલે પોતાની પાર્ટીના ધારાસભ્યના નિવેદન સામે વાંધો ઉઠાવ્યો છે. તેમણે મસ્જિદમાંથી જાહેરાત થઈ હોવાના દાવાને દુર્ભાગ્યપૂર્ણ અને તથ્યવિહીન ગણાવ્યો છે. જામિયા મસ્જિદના ઇમામ મૌલાના ફારૂક અહમદ કિચલૂના નેતૃત્વ હેઠળના 'ઇસ્લામી મરકઝ-એ-મજલિસ શૂરા કિશ્તવાડ' સંગઠને પણ પરિહારના આરોપોને ફગાવી દીધા છે અને ધારાસભ્ય પાસે જાહેરમાં માફી માંગી છે.
આ ઘટનાએ સંવેદનશીલ જિલ્લામાં સાંપ્રદાયિક સૌહાર્દ પર સવાલ ઊભા કર્યા છે. સેનાનું સત્તાવાર નિવેદન આવ્યા બાદ જ સ્થિતિ સ્પષ્ટ થશે.