સત્ય. સાહસ. સંકલ્પ.

કિશોર કુમાર કે મોહમ્મદ રફી? ચાહકોની ચર્ચા વચ્ચે કિશોર દાએ લખેલો પત્ર યાદ આવે છે

કિશોર કુમાર કે મોહમ્મદ રફી? ચાહકોની ચર્ચા વચ્ચે કિશોર દાએ લખેલો પત્ર યાદ આવે છે

હિન્દી સિનેમાના જાણીતા ગાયક કિશોર કુમારનું 13 ઓક્ટોબર, 1987ના રોજ 58 વર્ષની વયે અવસાન થયું હતું. તેમના ગીતો આજે પણ લોકોના દિલમાં જીવંત છે. તેમના જીવનકાળ દરમિયાન એક સમયે તેમની અને મોહમ્મદ રફી વચ્ચે શ્રેષ્ઠ ગાયક કોણ, તેવી ચર્ચા ચાલી હતી.

આ ચર્ચા ફિલ્મી મેગેઝિન સુધી પહોંચી ગઈ હતી. ગીતકાર અને પટકથા લેખક જાવેદ અખ્તરે એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, મેગેઝિને વાચકો પાસેથી પત્રો મંગાવ્યા હતા. રફી સાહેબ અને કિશોર દાના ચાહકોએ પોતાના પસંદીત કલાકારને શ્રેષ્ઠ ગણાવતા પત્રો મોકલ્યા હતા.

આ ચર્ચા વચ્ચે મેગેઝિનને એક પત્ર મળ્યો, જે કોઈ ચાહકનો નહીં, પણ કિશોર કુમારનો હતો. તેમણે પત્રમાં સ્પષ્ટ કર્યું કે તેમને મોહમ્મદ રફી સાથેની સરખામણી પસંદ નથી. તેમણે લખ્યું કે, 'આવી ચર્ચાઓથી મને તકલીફ થાય છે.' કિશોર દા રફી સાહેબને ખૂબ માન આપતા હતા અને તેમને પોતાની સાથે હરિફાઈમાં મૂકવા યોગ્ય નહોતા માનતા. એટલું જ નહીં, રફી સાહેબના ગીતો ગાવા માટે તેઓ તેમની પરવાનગી લેતા હતા.

કિશોર કુમાર માત્ર મહાન ગાયક જ નહોતા, પણ દરિયાદિલ ઇન્સાન પણ હતા. એક કાર્યક્રમમાં તેમને રફી સાહેબ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે ખુલ્લા દિલથી તેમની ગાયકી અને પ્રતિભાના વખાણ કર્યા હતા. આ ઘટના દર્શાવે છે કે સાચી મહાનતા ત્યારે જ પ્રગટે છે જ્યારે કલાકાર બીજા કલાકારની પ્રતિભાને પણ આદર આપે.