સત્ય. સાહસ. સંકલ્પ.

નવરંગપુરામાં રોંગ સાઇડમાં કાર ચલાવી ઝઘડો: કિશોર લંગડાના પૌત્રની અટકાયત

નવરંગપુરામાં રોંગ સાઇડમાં કાર ચલાવી ઝઘડો: કિશોર લંગડાના પૌત્રની અટકાયત

અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં સીજી રોડ પર ગિરીશ કોલ્ડ્રીંક્સ ચાર રસ્તા પાસે એક યુવકે રોંગ સાઇડમાં કાર ચલાવીને અન્ય કાર સાથે અથડામણ કરી હતી. ત્યારબાદ તેણે કારચાલક સાથે ઝઘડો કરીને મારપીટ કરી હતી. આ યુવક કુખ્યાત બુટલેગર કિશોર લંગડાનો પૌત્ર આદિત્યસિંહ રાઠોડ હોવાનું જણાવાયું છે.

પોલીસના જણાવ્યા અનુસાર, નરણપુરાના ગણેશ એપાર્ટમેન્ટમાં રહેતા જય દિનેશભાઈ દેસાઈ (22) તેમની કાર લઈને નવરંગપુરા સીજી રોડ પર પસાર થઈ રહ્યા હતા. ત્યારે આદિત્યસિંહે રોંગ સાઇડમાં મોંઘી કાર ચલાવીને તેમની કાર સાથે ટક્કર મારી હતી. અકસ્માત બાદ આદિત્યસિંહે જય દેસાઈ સાથે ઝઘડો કર્યો અને લાફા મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

આ મામલે નવરંગપુરા પોલીસે ગુનો નોંધીને આદિત્યસિંહની કાર કબજે લઈ તેની અટકાયત કરી છે. આદિત્યસિંહ અગાઉ પણ અનેક ગુનાઓમાં સામેલ રહ્યો છે. ગયા વર્ષે જીએલએસ કોલેજ બહાર વિદ્યાર્થીઓને ધમકી આપીને હથિયારથી થાર ગાડીમાં તોડફોડ કરવાનો ગુનો નોંધાયો હતો. આ ઉપરાંત રાજકોટમાં કાર સ્ટંટ કરવાનો વીડિયો વાયરલ થવા બદલ પણ ગુનો નોંધાયો હતો. સગીર વયમાં પૂરઝડપે કાર ચલાવીને એક વ્યક્તિના મોતનું કારણ બનવાનો પણ આરોપ તેના પર છે.

આટલા ગંભીર ગુનાઓ છતાં પોલીસ દ્વારા સખત કાર્યવાહી ન થવાને કારણે આદિત્યસિંહ સતત ગુનાઓ કરી રહ્યો હોવાની ચર્ચા છે. તેના દાદા કુખ્યાત બુટલેગર હોવાથી પોલીસ ઢીલ કરી રહી હોવાની પણ આશંકા સ્થાનિક લોકોમાં છે.