સત્ય. સાહસ. સંકલ્પ.

કિર્તીદાનના ગરબાનો પાસ 1700થી ઘટીને 1000 રૂપિયામાં, ખુલ્લામાં દશેરા સુધી ગરબા

કિર્તીદાનના ગરબાનો પાસ 1700થી ઘટીને 1000 રૂપિયામાં, ખુલ્લામાં દશેરા સુધી ગરબા

અમદાવાદના એસ.પી. રિંગ રોડ પર આવેલા ગોપાલ ફાર્મમાં કિર્તીદાન ગઢવીના 'પરંપરા' નવરાત્રિ ગરબાનો એસી ડોમ 9 ઓક્ટોબરની સાંજે ધરાશાયી થયો હતો. આ કારણે ગરબા એક દિવસ મોડા શરૂ થવાની જાહેરાત કરવામાં આવી હતી. હવે 12 ઓક્ટોબરથી એ જ ગ્રાઉન્ડમાં ખુલ્લા આકાશ નીચે ગરબાનું આયોજન કરવામાં આવશે.

આ અંગે દિવ્ય ભાસ્કરે કિર્તીદાન ગઢવી અને ગરબા આયોજક સાથે વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું કે પાસની કિંમત 1500-1700 રૂપિયાથી ઘટાડીને 999 રૂપિયા કરવામાં આવી છે. ડોમ પડવાના સમાચાર મળ્યા ત્યારે કિર્તીદાન ભુજમાં પ્રી-નવરાત્રિ કાર્યક્રમ માટે ગયા હતા. મુંબઈમાં ગરબા કરાવીને ભુજ પહોંચ્યા બાદ તેમણે તરત જ આયોજક સાથે વાત કરી હતી. બે મહિનાથી ડોમ બની રહ્યો હતો, તેથી બે દિવસમાં ફરી ઊભો કરવો શક્ય ન હતો. તેમણે મિત્રો અને આયોજકો સાથે ચર્ચા કરીને નવું આયોજન નક્કી કર્યું.

કિર્તીદાને કહ્યું, 'અમે એ જ ગ્રાઉન્ડમાં ખુલ્લામાં ગરબા કરીશું. એક દિવસ કેન્સલ થયો તેની જગ્યાએ દશેરા સુધી ગરબા ચાલશે. ખુલ્લામાં લાઇટ અને સાઉન્ડનો નજારો અલગ જ હશે. ખુલ્લા આકાશ નીચે અને ધરતી પર ગરબા થશે.'

જે લોકોએ પાસ લઈ લીધા છે અને નવા પાસ લેવા માંગતા ખેલૈયાઓ માટે તેમણે કહ્યું, 'જેમણે પાસ લીધા છે તેમને ખુલ્લામાં ગરબામાં પ્રવેશ મળશે. નવા પાસની કિંમત એસી ડોમ કરતાં ઓછી રહેશે. ખેલૈયાઓ વધુ ઉત્સાહથી ગરબા કરી શકશે તેની અમે ખાતરી આપીએ છીએ.'

ગરબા આયોજક જીગર ચૌહાણે જણાવ્યું કે ડોમ પડ્યાના 48 કલાકમાં ખુલ્લામાં ગરબાનું આયોજન કરી દીધું છે. અગાઉ 6500 રૂપિયાનો પાસ પણ હતો, તે રદ કરવામાં આવ્યો છે અને તેની જગ્યાએ 2500 રૂપિયા સુધીનો પાસ ઉપલબ્ધ થશે. જેમને રિફંડ જોઈએ છે તેમને પૈસા પરત કરાશે અને જેમને એસી ડોમનો પાસ રાખવો હોય તેમને સુવિધા આપવામાં આવશે.

આ વર્ષે અમદાવાદમાં આદિત્ય ગઢવી, દિવ્યા ચૌધરી, જિગ્નેશ કવિરાજ, હાર્દિક દવે, ઈશાની દવે સહિતના જાણીતા સિંગર નવરાત્રિમાં પર્ફોર્મ કરશે. ખેલૈયાઓને આ વખતે નવો અનુભવ મળશે.