સત્ય. સાહસ. સંકલ્પ.

અમદાવાદમાં કીર્તિદાનના ગરબાના ડોમમાં ટિકિટ થઈ અડધી, રૂ. 2000 ચૂકવનારા ખેલૈયાઓ રીફંડ માગે છે

અમદાવાદમાં કીર્તિદાનના ગરબાના ડોમમાં ટિકિટ થઈ અડધી, રૂ. 2000 ચૂકવનારા ખેલૈયાઓ રીફંડ માગે છે

અમદાવાદના એસ.પી. રિંગ રોડ પર આવેલા ગોપાલ ફાર્મ ખાતે કીર્તિદાન ગઢવીના પરંપરા ગરબાનો એસી ડોમ નવરાત્રિ શરૂ થવાના બે દિવસ પહેલાં ધરાશાયી થઈ ગયો હતો. આ કારણે પ્રથમ નવરાત્રિએ ગરબાનું આયોજન થઈ શક્યું નહોતું. બીજા દિવસે સોમવારથી ગરબા શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી.

આયોજકોએ જણાવ્યું કે ગરબાનું આયોજન હવે ખુલ્લા મેદાનમાં કરવામાં આવશે, જેથી ટિકિટના ભાવ અડધા કરવામાં આવ્યા છે. પરંતુ જે ખેલૈયાઓએ અગાઉથી એડવાન્સમાં રૂ. 2000 પ્રતિદિનના દરે ટિકિટ ખરીદી હતી, તેમણે રીફંડની માંગણી કરી છે. આયોજકોએ શરૂઆતમાં રીફંડ આપવાનો ઇનકાર કરતાં ભારે હોબાળો થયો હતો. બાદમાં કેટલાક લોકોને રીફંડ આપવાની ખાતરી આપીને રોષ શાંત કરવાનો પ્રયાસ કરાયો હતો.

ખેલૈયાઓએ જણાવ્યું કે ઓનલાઈન પ્લેટફોર્મ પર ટિકિટની કિંમત રૂ. 999, 1399 અને 2499 રહી હતી. એસી ડોમ તૂટી પડ્યા બાદ પણ ઓનલાઈન પ્લેટફોર્મ પર ટિકિટના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો નહોતો અને જૂના દરે જ વસૂલાત થતી હતી. આથી ખેલૈયાઓએ આયોજકો પર છેતરપિંડીનો આરોપ લગાવ્યો છે.

ઉલ્લેખનીય છે કે નવરાત્રિમાં નફો કમાવવા માટે કેટલાક આયોજકો નિયમોનો ભંગ કરતા હોવાની ફરિયાદો પણ સામે આવી છે. નિયમ મુજબ ગ્રાઉન્ડની ક્ષમતા કરતાં વધારે ટિકિટનું વેચાણ કરવું ન જોઈએ અને ગ્રાઉન્ડમાં નક્કી કરેલી મર્યાદાથી વધુ લોકો એકઠા થાય તો ભાગદોડ થવાની અને જાનહાનિની શક્યતા રહે છે. તેમ છતાં કેટલાક આયોજકોએ વધારે પ્રવેશ આપ્યો હતો, જેના કારણે સાતથી આઠ ગ્રાઉન્ડ પર હોબાળો થયો હતો અને લોકો ગરબે રમી શક્યા નહોતા.