અમદાવાદમાં ગાયક કિર્તીદાન ગઢવીના નોરતા નગરી ગરબા કાર્યક્રમમાં ભાગીદારી અને સ્પોન્સરશીપને લઈને વિવાદ વકર્યો છે. પાર્શ્વ જવેલર્સના માલિક દર્શન શાહ સામે 10 કરોડની ઉચાપતની ફરિયાદ નોંધાઈ છે, જ્યારે તેમના વકીલ કિશન ચકવાવાલાએ તેને ખોટી ગણાવી છે.
વકીલ ચકવાવાલાએ જણાવ્યું કે, નોરતા નગરીના ગરબામાં દર્શન શાહ ભાગીદાર જ નથી. એગ્રિમેન્ટ ડીડ મુજબ જયેશ પરમાર, અર્જન ભૂતિયા, કૃષ્ણ ગઢવી અને જીગર ચૌહાણ ભાગીદાર હતા. છતાં સરખેજ પોલીસ સ્ટેશનમાં કિર્તીદાન ગઢવીના ગ્રુપે ખોટી ફરિયાદ નોંધાવી છે. તેમણે કહ્યું કે, કિર્તીદાન ગઢવી અને તેમના દીકરા કૃષ્ણ ગઢવીએ 8થી 10 કરોડના સ્પોન્સર લાવવાના હતા, સ્પોન્સર આવ્યા પણ તેમના પૈસા આવ્યા નથી. કિર્તીદાને નક્કી કરેલી કોઈ પણ રકમ ભાગીદારોને મળી નથી.
વકીલે આરોપ લગાવ્યો કે, આ પ્રકરણમાં ઉલ્ટા ચોર કોટવાલને ડાટે તેવી સ્થિતિ છે. કિર્તીદાન ગઢવીની ભલામણથી જ અગાઉ પણ જયેશ પરમારને પોલીસ દ્વારા હેરાન કરવામાં આવ્યા હતા, જે અંગે કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. તે અરજીમાં પણ કિર્તીદાન ગઢવી અને અન્ય લોકો કોર્ટમાં હાજર રહ્યા નથી. દર્શન શાહ નિર્દોષ હોવા છતાં તેમને ખોટી રીતે આ કેસમાં ફસાવવામાં આવી રહ્યા છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, અમારી ત્રણ ફરિયાદ પેન્ડિંગ છે અને ગુજરાત હાઈકોર્ટમાં ચાર પિટિશન કરી છે. ફેબ્રુઆરી, મે અને જૂનમાં અમારા લાભમાં ટાઈમ ટુ ટાઈમ ઓર્ડરો થયા છે. આ તમામ પ્રકરણ હાઈકોર્ટમાં પેન્ડિંગ હોવા છતાં, કોગ્નિઝન્સ લેવાઈ ગયા હોવા છતાં, 9 સપ્ટેમ્બર 2026ના રોજ તાજેતરમાં આ ફરિયાદ નોંધવામાં આવી છે, જે શંકાનો વિષય છે. કારણ કે આ સમગ્ર પ્રકરણ ગયા વર્ષનું છે અને અત્યારે નવરાત્રિનો પર્વ આવી રહ્યો છે, જેથી અમને બદનામ કરવા માટે મોટિવેટેડ અટેમ્પ્ટ છે.
સ્પોન્સરના પૈસા અંગે વકીલે કહ્યું કે, અમે તેમની સામે આર્બિટ્રેશન પિટિશન કરી છે. આર્બિટ્રેશન એવોર્ડ મેળવવા માટે હાઈકોર્ટમાં ચીફ જસ્ટિસે હુકમ કરેલો છે અને તેમાં લખેલું છે કે ₹9 કરોડની ઉચાપતની બાબત છે. 9 કરોડ તેઓએ સ્પોન્સર પાસેથી લાવીને આપવાના હતા, જેમાં પ્રોગોન ગ્રુપ, જેમાં લા મેરિડિયન ગ્રુપ ઇન્વોલ્વ હતા. હવે તેઓએ પૈસા આપ્યા કે કેમ તે કિર્તીદાન ગઢવી અને બંનેની વચ્ચેનો વિષય છે, પણ આ ઇવેન્ટમાં એક પણ પૈસા આવ્યા નથી, જેથી અમે તેઓને પણ નોટિસો પાઠવી છે.
તેમણે આરોપ લગાવ્યો કે, અગાઉ કિર્તીદાન ગઢવીના કહેવાથી પોલીસે જયેશ પરમારને મારમાર્યા હતા. ફરિયાદનો સમગ્ર આધાર તદ્દન ખોટો, બોગસ અને નિરર્થક છે, કારણ કે દર્શન શાહને આ બાબત સાથે કોઈ લેવાદેવા નથી. તે જ રીતે, રવિ શાહ માત્ર જયેશ પરમારના મિત્ર હોવાના હોદ્દાથી જ તેમનું નામ ફરિયાદમાં ઉમેરવામાં આવ્યું છે. ગુજરાત હાઈકોર્ટે નોટિસ પાઠવીને બોલાવવા છતાં તેઓ હાજર રહ્યા નથી કે હિસાબ આપ્યો નથી, જેથી કોર્ટના હુકમો અમારી તરફેણમાં અને તેમની વિરુદ્ધમાં આવ્યા છે. તેમ છતાં, જો પોલીસ ડાયરાના કલાકારોની વાતોમાં આવીને માત્ર માઇલેજ મેળવવા ખાતર ફરિયાદો દાખલ કરશે, તો અમે તેમની સામે પણ કાયદેસરની યોગ્ય કાર્યવાહી કરીશું.
છેલ્લે, વકીલે જણાવ્યું કે, ખોટી માઇલેજ મેળવવા અને અદાવત રાખીને કિર્તીદાન ગઢવી તથા તેમના ગ્રુપે આ ફરિયાદ નોંધાવી છે. જે બદલ અમે કાયદેસરની કાર્યવાહી કરશું, ગુજરાત હાઈકોર્ટના બારણાં ખખડાવશું અને અમારી બદનામી તથા બદનક્ષી કરતા તમામ વ્યક્તિઓ સામે માનહાનિનો કેસ કરશું.