સત્ય. સાહસ. સંકલ્પ.

ભારતમાં બાંગ્લાદેશ-ફ્રાંસ જેવી હિંસા ફેલાવવાનું કાવતરું: કિરણ રિજિજુનો દાવો

ભારતમાં બાંગ્લાદેશ-ફ્રાંસ જેવી હિંસા ફેલાવવાનું કાવતરું: કિરણ રિજિજુનો દાવો

કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ દાવો કર્યો છે કે ભારતમાં બાંગ્લાદેશ અને ફ્રાંસ જેવી હિંસક સ્થિતિ સર્જવાનું કાવતરું રચાયું હતું. તેમણે કહ્યું કે ભારતમાં સત્તા પરિવર્તન માત્ર ચૂંટણી દ્વારા જ શક્ય છે, કોઈ વિદેશી તાકાત દ્વારા નહીં.

રિજિજુએ સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે ભારતવિરોધી જૂથો અને કેટલાક રાજકારણીઓએ યુવાનોને ઉશ્કેરીને રસ્તાઓ પર હિંસા ફેલાવવાની યોજના બનાવી હતી. તેમણે દાવો કર્યો કે આ યોજના હેઠળ દેશમાં અરાજકતા ફેલાવવાનો પ્રયાસ થયો, પરંતુ ભારતીય યુવાનો દેશનું નિર્માણ કરવા તરફ આગળ વધી રહ્યા છે.

તેમણે વધુમાં કહ્યું કે ભારત ન તો બાંગ્લાદેશ છે કે ન તો ફ્રાંસ. ભારતમાં લોકશાહી પદ્ધતિથી જ સત્તા પરિવર્તન થઈ શકે છે. રિજિજુએ જ્યોર્જ સોરોસનો ઉલ્લેખ કરીને કહ્યું કે બહારની તાકાતોને ભારતના લોકશાહીમાં દખલ કરવાની મંજૂરી નહીં મળે.

ઉલ્લેખનીય છે કે, આ પહેલાં 15 ઑક્ટોબરે પણ રિજિજુએ વિરોધીઓને નિશાન બનાવતી પોસ્ટ કરી હતી. તેમણે ‘દિમાગી નક્સલ’ અને દેશભક્ત ભારતીયો વચ્ચેનો સંઘર્ષ હોવાની વાત કરી હતી. 17 ઑક્ટોબરે તેમણે ‘રિજીમ ચેન્જ’ની વાત કરનારાઓ સામે ટકોર કરતાં કહ્યું હતું કે ભારતીય યુવાનો દેશનો નાશ નહીં, નિર્માણ કરશે.

આ દાવાઓ સાથે રિજિજુએ એક વીડિયો પણ શેર કર્યો છે, જેમાં બાંગ્લાદેશના યુવાનોનો આભાર વ્યક્ત કરતી ક્લિપ, પ્રશાંત ભૂષણનું ‘રિજીમ ચેન્જ’ અંગેનું નિવેદન અને જુલાઈ-ઑગસ્ટ દરમિયાન થયેલાં પ્રદર્શનોનાં દૃશ્યો સામેલ છે.