ફિલ્મમેકર કિરણ રાવે આજની પેઢીમાં સંબંધો અને લગ્ન અંગેના બદલાયેલા વિચારો વિશે ખુલીને વાત કરી છે. તેમણે કહ્યું કે લગ્ન પહેલાં શારીરિક સંબંધો બાંધવા આજે સામાન્ય બાબત બની ગઈ છે.
કિરણ રાવે જણાવ્યું કે યુવા પેઢી સંબંધોને લઈને ખૂબ ખુલ્લી છે. તેમણે કહ્યું, 'હવે સંબંધોમાં આઝાદી હોય છે. અગાઉ લોકો પાસેથી અપેક્ષા રાખવામાં આવતી કે તેઓ એક ચોક્કસ પ્રકારના સંબંધમાં જ રહેશે, પરંતુ આજના યુગમાં એવું નથી. મારી પેઢીની સરખામણીમાં આજની પેઢી વધુ બેબાકી છે અને કોઈ ખચકાટ વગર જીવે છે. દુનિયા બદલાઈ ગઈ છે અને પોતાને વ્યક્ત કરવાની રીતો પણ અલગ છે.'
તેઓ તેમની ફિલ્મ 'લસ્ટ સ્ટોરીઝ 3'ના પ્રમોશન દરમિયાન સમાચાર એજન્સી IANS સાથે વાત કરી રહ્યા હતા. તેમને પૂછવામાં આવ્યું હતું કે યુવા પેઢી પ્રેમ અને સંબંધોના મામલે બેદરકાર દેખાય છે, તો તેઓ આને કેવી રીતે જુએ છે. જવાબમાં કિરણે કહ્યું કે પહેલાં લગ્ન પછી જ શારીરિક અને ભાવનાત્મક જોડાણની અપેક્ષા રાખવામાં આવતી હતી, પરંતુ હવે એવું નથી. તેમણે ઉમેર્યું કે આજે લોકો લગ્ન કર્યા વગર પણ એકબીજા સાથે ઊંડો અને સાચો સંબંધ બનાવે છે તથા શારીરિક અને ભાવનાત્મક રીતે જોડાય છે.
કિરણે કહ્યું કે આ નવી દુનિયાને ધ્યાનમાં રાખીને જ તેમણે આ વાર્તા બનાવી છે, જેથી નવી પેઢીના નવતર અભિગમ અને તેમની આઝાદીને યોગ્ય રીતે રજૂ કરી શકાય.
'લસ્ટ સ્ટોરીઝ'માં કોંકણા સેન શર્મા, રાધિકા આપ્ટે, વિજય વર્મા, અભિષેક બેનર્જી, ગુરફતેહ પીરઝાદા, સના થમ્પી, રાધિકા મદાન, અલી ફઝલ, અદિતિ રાવ હૈદરી, સિદ્ધાર્થ અને ગજરાજ રાવ મુખ્ય ભૂમિકામાં છે.
ઉલ્લેખનીય છે કે કિરણ રાવની ફિલ્મ 'લાપતા લેડીઝ' 97માં ઓસ્કાર એવોર્ડ માટે ભારત તરફથી સત્તાવાર એન્ટ્રી હતી.
કિરણ રાવ અને અભિનેતા આમિર ખાને 2021માં છૂટાછેડા લીધા હતા. તેમનો એક દીકરો છે, જેનું નામ આઝાદ છે. બંનેની પહેલી મુલાકાત 2000માં ફિલ્મ 'લગાન'ના સેટ પર થઈ હતી, જ્યારે આમિર ફિલ્મના મુખ્ય કલાકાર અને પ્રોડક્શન મેનેજર હતા અને કિરણ સહાયક દિગ્દર્શક તરીકે કામ કરતી હતી. આમિર અને તેમની પહેલી પત્ની રીનાના 2002માં છૂટાછેડા થયા બાદ તેમની અને કિરણ વચ્ચે વાતચીત શરૂ થઈ. બંનેએ 2005માં મુંબઈમાં સિવિલ મેરેજ કર્યા હતા. પછી સરોગસી દ્વારા તેમના દીકરા આઝાદનો જન્મ થયો.