અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાંથી ગાયિકા કિંજલ રબારીના અપહરણના કેસમાં પોલીસે તપાસ તેજ કરી છે. પોલીસ હવે કિંજલનું લોકેશન શોધવામાં જોતરાઈ છે, જેથી તેનું રૂબરૂ નિવેદન લઈ શકાય.
ચાંદખેડા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર જયેશ મકવાણાએ જણાવ્યું કે, "અમને કિંજલના અપહરણની ફરિયાદ મળી છે. તેનો વીડિયો અને અરજી સોશિયલ મીડિયા પર આવ્યા છે, પરંતુ તેણે પોલીસ સમક્ષ રૂબરૂ નિવેદન આપ્યું નથી. અમે તેનું લોકેશન શોધી રહ્યા છીએ, અને મળ્યા બાદ તેને સમન્સ કરી નિવેદન લેવામાં આવશે."
કિંજલ રબારીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો અને પોલીસ કમિશનરને પત્ર લખીને દાવો કર્યો છે કે, તેનું અપહરણ થયું નથી, અને તે સ્વેચ્છાએ પૂર્વ પતિ અશોક ચૌધરી પાસે ગઈ હતી. તેણે આરોપ લગાવ્યો કે, તેને પરિવાર દ્વારા દબાણ કરીને મુકેશ દેસાઈ સાથે લગ્ન કરવા કહેવામાં આવ્યું હતું, અને હાઈકોર્ટમાં પણ તેની મરજી વિરુદ્ધ જવાબ આપવામાં આવ્યો હતો.
બીજી તરફ, કિંજલના પિયર રાધનપુર નજીકના સીનાડ ગામમાં 7 સપ્ટેમ્બરે પોલીસ પર થયેલા હુમલાના કેસમાં પોલીસે 10 આરોપીઓની અટકાયત કરી છે. આરોપીઓમાં જગદીશભાઈ ઈશ્વરભાઈ રબારી, લખાભાઈ ખોડાભાઈ રબારી, ભરતભાઈ પેથાભાઈ રબારી, લક્ષ્મણભાઈ વિઠ્ઠલભાઈ રબારી, વિરાટ ઉર્ફે ધવલભાઈ મોમાભાઈ રબારી, વિજયભાઈ ઈશ્વરભાઈ મશરૂભાઈ રબારી, કિરણકુમાર શંકરભાઈ બીજલભાઈ રબારી, મોતીભાઈ રણછોડભાઈ લક્ષ્મણભાઈ રબારી, ચોગેશભાઈ શંકરભાઈ બીજલભાઈ દેસાઈ અને સહારાભાઈ જયમલભાઈ વિજલભાઈ દેસાઈનો સમાવેશ થાય છે.
આ ઘટના બાદ, રબારી સમાજના આગેવાન નાગજી દેસાઈએ બંને સમાજોને તટસ્થ રહેવા અપીલ કરી છે. નાગજીભાઈએ કહ્યું કે, "કિંજલ પોતે બધાને ગેરમાર્ગે દોરી રહી છે, કારણ કે લગ્નનો નિર્ણય વ્યક્તિ પોતે કરે છે, કોઈએ દબાણ કર્યું નથી. હું યુવાનોને અપીલ કરું છું કે, કિંજલ માટે નહીં, પણ કોઈ ગરીબ દીકરી માટે આંદોલન કરો." તેણે સીનાડમાં થયેલી હિંસામાં યુવાનોને ઉશ્કેરાઈ ન જવા પણ સૂચના આપી હતી.