સત્ય. સાહસ. સંકલ્પ.

કિંજલ રબારી કેસમાં નવો વળાંક: અપહરણનો દાવો ખોટો, છૂટાછેડા ન થયાનો ખુલાસો

કિંજલ રબારી કેસમાં નવો વળાંક: અપહરણનો દાવો ખોટો, છૂટાછેડા ન થયાનો ખુલાસો

ગુજરાતની જાણીતી લોકગાયિકા કિંજલ રબારીના કથિત અપહરણ કેસમાં નવો વળાંક આવ્યો છે. અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આવેલા સીબીડી મોલ પાસેથી કિંજલ ગાયબ થઈ હતી, જે અંગે તેમના પતિ મુકેશ રબારીએ અપહરણની ફરિયાદ નોંધાવી હતી. પરંતુ હવે કિંજલે સોશિયલ મીડિયા પર વીડિયો જાહેર કરીને અપહરણની વાતને સંપૂર્ણપણે ફગાવી દીધી છે.

કિંજલે પોતાના વીડિયોમાં જણાવ્યું છે કે તે પોતાની મરજીથી પોતાના પ્રથમ પતિ અશોક ચૌધરી સાથે ગઈ છે અને તે તેમની સાથે સલામત તથા ખુશ છે. તેણે પરિવારજનો પર ગંભીર આરોપ લગાવતા કહ્યું કે તેના પિયર પક્ષે જબરદસ્તીથી અશોક ચૌધરી સામે છૂટાછેડાની અરજી કરાવી હતી અને તેની મરજી વિરુદ્ધ તેને બીજા લગ્ન કરવા દબાણ કર્યું હતું.

સૂત્રોના જણાવ્યા અનુસાર, અશોક ચૌધરી સાથેનો કાનૂની છૂટાછેડાનો કેસ હજુ પણ કોર્ટમાં પેન્ડિંગ છે અને છૂટાછેડા ન થયા હોવાથી જુલાઈ મહિનામાં મુકેશ રબારી અને કિંજલ વચ્ચે માત્ર મૈત્રી કરાર કરવામાં આવ્યો હતો. આ કરારને કારણે બંને વચ્ચે કોઈ કાનૂની સંબંધ નથી, એવું પણ સૂત્રોએ જણાવ્યું છે.

અમદાવાદ એસીપી (એલ ડિવિઝન) ડી.વી. રાણાના જણાવ્યા અનુસાર, ચાંદખેડા પીસીઆરને મુકેશ રબારી તરફથી અપહરણની ફરિયાદ મળી હતી. પરિવાર સાથે મોલમાં ફિલ્મ જોવા ગયેલી કિંજલની તબિયત લથડતાં તે બહાર આવી હતી. મુકેશ ગાડી લેવા ગયા ત્યારે અજાણ્યા શખ્સે તેમને પકડી રાખ્યા હતા અને કિંજલ કાળી ક્રેટા ગાડીમાં બેસીને જતી રહી હતી. આ મામલે મુકેશે અશોક ચૌધરી પર આશંકા વ્યક્ત કરી હતી.

કિંજલે પોલીસને વિનંતી કરી છે કે તેની પરિવારજનો તરફથી કોઈ ત્રાસ ન થાય તે માટે પગલાં લેવામાં આવે. તેણે પોતાની સ્વેચ્છાએ જવાનું હોવાથી કોઈ ફરિયાદ નોંધવાની જરૂર નથી, એમ પણ જણાવ્યું છે.

કિંજલ રબારી ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના સિનાડ ગામનાં છે. તેઓ ગુજરાતી લોકસંગીત, ભક્તિગીતો અને લગ્નગીતો દ્વારા જાણીતાં છે. તેમની લોકપ્રિયતાને કારણે આ કેસ ચર્ચામાં છે.