અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાંથી લોકગાયિકા કિંજલ રબારીના કથિત અપહરણના મામલે પોલીસે ગુનો નોંધ્યો છે. એલ ડિવિઝનના એસીપી ડી.વી. રાણાએ જણાવ્યું કે આ મામલે ચાંદખેડા પોલીસે BNS કલમ 137(2), 126(2) અને 54 હેઠળ ગુનો નોંધ્યો છે.
પોલીસ ફરિયાદમાં ખૂલાસો કરવામાં આવ્યો છે કે કિંજલ રબારી અને નરસી ઉર્ફે મુકેશ રબારી વચ્ચે મૈત્રી કરાર થયા હતા. આ કરાર અનુસાર તેઓ સાથે રહેતા હતા. ફરિયાદમાં અપહરણ અંગે કિંજલના પૂર્વ પતિ અશોક ચૌધરીનું નામ આપવામાં આવ્યું છે, જોકે પોલીસ હજુ આ બાબતની વિગતો ચકાસી રહી છે.
એસીપી ડી.વી. રાણાએ જણાવ્યું કે કિંજલ રબારી રાધનપુરથી બહેન-બનેવી સાથે અમદાવાદ આવ્યા બાદ મુકેશ રબારી સાથે મૂવી જોવા પહોંચ્યા હતા. બપોરે 2:18 વાગ્યે કથિત અપહરણની ઘટના બનતાં પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવી હતી. ચાંદખેડાના CBD મોલ બહારથી કિંજલને લઈ જવાનો આરોપ મુકેશ રબારીએ લગાવ્યો હતો.
મૂવી દરમિયાન કિંજલ રબારીએ તબિયત ખરાબ હોવાનું કહીને મોલની બહાર નીકળ્યા હતા. જોકે, ત્યારબાદ CCTVમાં કિંજલ રબારી કારમાં બેસતી દેખાતાં તપાસમાં નવો વળાંક આવ્યો છે. ફરિયાદીને પકડી રાખનાર સફેદ શર્ટવાળા વ્યક્તિ કોણ છે, તે અંગે પોલીસને જાણ નથી.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે હાલ અશોક ચૌધરી અને કિંજલ રબારી વચ્ચે છૂટાછેડાનો કેસ કોર્ટમાં પેન્ડિંગ છે. પોલીસે વીડિયો, CCTV અને ટેકનિકલ પુરાવાના આધારે તપાસ તેજ કરી છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલા કિંજલ રબારીએ પોતાના પહેલા પતિ અશોક ચૌધરી સાથે આંતરજ્ઞાતિય પ્રેમલગ્ન કર્યા હતા. આ લગ્નને લઈને બે સમાજ વચ્ચે વિવાદ થયો હતો અને સમાજની સમજાવટ બાદ કિંજલ તેના પિતાના ઘરે પરત ફરી હતી.