અમદાવાદ: ગાયિકા કિંજલ રબારીએ અમદાવાદ પોલીસ કમિશનર અને ચાંદખેડા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરને પત્ર લખીને પોતાના અપહરણના આરોપોને ખોટા ગણાવ્યા છે. તેમણે જણાવ્યું છે કે તેઓ પોતાની મરજીથી પોતાના પતિ અશોક ચૌધરી સાથે ગયાં હતાં, અને તેમના પર કોઈ દબાણ નહોતું.
કિંજલે પત્રમાં લખ્યું છે કે તેમણે 2 મે 2024ના રોજ અશોક ચૌધરી સાથે હિંદુ રીતરિવાજ પ્રમાણે લગ્ન કર્યા હતા. પરંતુ પરિવારના સભ્યોએ લગ્ન સ્વીકાર્યા નહોતા. 10 મે 2026ના રોજ તેમણે પિતાનું ઘર છોડીને અશોક સાથે રહેવાનું શરૂ કર્યું હતું. તેમના પરિવારે તેમને બળજબરીથી પાછા લઈ જઈને ઘરમાં કેદ કરી દીધાં હતાં. પરિવારે તેમના પર દબાણ કરીને રાધનપુર કોર્ટમાં છૂટાછેડાની અરજી કરાવી હતી, પરંતુ તેમને છૂટાછેડા લેવા નહોતા. બાદમાં તેમને બળજબરીથી ગોતરકા ગામે મુકેશ દેસાઈ સાથે સોંપી દેવામાં આવ્યાં હતાં.
કિંજલે વધુમાં જણાવ્યું છે કે તક મળતાં તેમણે અશોકનો સંપર્ક કરીને 6 સપ્ટેમ્બર, 2026ના રોજ પોતાની મરજીથી તેમની સાથે જવાનું નક્કી કર્યું. તેમણે સ્પષ્ટ કર્યું છે કે આ ઘટનામાં કોઈ અપહરણ કે જબરદસ્તી થઈ નથી. તેઓએ પોલીસને એમ પણ કહ્યું છે કે પરિવારજનો અથવા મુકેશ દેસાઈ દ્વારા કોઈ ખોટી ફરિયાદ કરવામાં ન આવે તે માટે આ પત્ર લખીને જવાબ આપી રહ્યાં છે.
હાલમાં મુકેશ દેસાઈએ કિંજલના અપહરણની ફરિયાદ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. આ સમગ્ર મામલે પોલીસ તપાસ કરી રહી છે.