સત્ય. સાહસ. સંકલ્પ.

કિંજલ રબારીનો વીડિયો: 'મારું અપહરણ નથી થયું, હું સ્વેચ્છાએ અશોક સાથે છું'

કિંજલ રબારીનો વીડિયો: 'મારું અપહરણ નથી થયું, હું સ્વેચ્છાએ અશોક સાથે છું'

અમદાવાદઃ ગુજરાતની જાણીતી લોકગાયિકા કિંજલ રબારીના અપહરણની ઘટનામાં મોટો વળાંક આવ્યો છે. રવિવારે બપોરે અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાંથી કિંજલને અજાણ્યા શખ્સોએ અપહરણ કરી લીધાના સમાચાર વાયરલ થયા હતા. જોકે, કિંજલે પોતે એક વીડિયો જારી કરીને સ્પષ્ટતા કરી છે કે તેનું કોઈ અપહરણ થયું નથી, અને તે પોતાની મરજીથી પોતાના પ્રથમ પતિ અશોક ચૌધરી સાથે ગઈ છે.

વીડિયોમાં કિંજલે જણાવ્યું કે તેણે 2 મે 2024ના રોજ અશોકકુમાર વાલાભાઈ ચૌધરી સાથે આંતરજ્ઞાતિય લગ્ન કર્યા હતા. પરિવારને મનાવવાના ઘણા પ્રયાસો કર્યા પછી પણ તેઓ ન માન્યા, એટલું જ નહીં, તેમણે કિંજલના પતિને માર મારીને બળજબરીથી તેને પિયર લઈ ગયા હતા. કિંજલે આરોપ લગાવ્યો કે પરિવારે તેને ઘરમાં ગોંધી રાખી હતી, રાધનપુર કોર્ટમાં છૂટાછેડાની અરજી કરાવી હતી અને અન્ય એક પુરુષ સાથે તેને પરણાવી દેવાનો પ્રયાસ કર્યો હતો.

કિંજલે વધુમાં જણાવ્યું કે પિયરમાં અને બીજા પુરુષ સાથે લગ્ન કર્યા બાદ પણ તેના જીવને જોખમ હતું. તેથી તેણે અશોક ચૌધરીનો સંપર્ક કર્યો અને 6 સપ્ટેમ્બર 2026ના રોજ સ્વેચ્છાએ તેમની સાથે આવી ગઈ છે. તે પોતાને સલામત અનુભવે છે અને કોઈએ ખોટા આરોપો ન લગાવવા વિનંતી કરી છે.

ઉલ્લેખનીય છે કે કિંજલ રબારી પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના સિનાડ ગામની વતની છે. તેમના આંતરજ્ઞાતિય લગ્નને લઈને બંને સમાજ વચ્ચે અગાઉ પણ વિવાદ થયો હતો અને સમાજના આગેવાનોની સમજાવટ બાદ તે પિયર પરત ફરી હતી. હાલમાં પોલીસે અપહરણની ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે, પરંતુ કિંજલના વીડિયો બાદ હવે આ ઘટના અંગે નવા સવાલો ઊભા થયા છે.