સત્ય. સાહસ. સંકલ્પ.

કિંજલ રબારી વિવાદ: સિનાડ ગામમાં મંદિરે પોલીસ પર હુમલો, PSI ઘાયલ

કિંજલ રબારી વિવાદ: સિનાડ ગામમાં મંદિરે પોલીસ પર હુમલો, PSI ઘાયલ

ગુજરાતની જાણીતી લોકગાયિકા કિંજલ રબારીના વિવાદને પગલે રાધનપુર તાલુકાના સિનાડ ગામમાં તંગદિલી સર્જાઈ છે. અમદાવાદના સીબીડી મોલ પાસેથી કિંજલ ગુમ થઈને પોતાના પ્રથમ પતિ અશોક ચૌધરી પાસે પહોંચી હોવાના અહેવાલો વચ્ચે ગામમાં બે સમુદાયો વચ્ચે હિંસક ઘર્ષણ થયું છે. હાલ ગામમાં ચુસ્ત પોલીસ પહેરો ગોઠવી દેવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ, લાખણેશ્વર મહાદેવ મંદિરે દર્શન કરવા ગયેલા શ્રદ્ધાળુઓને અન્ય સમાજના એક ટોળાએ રોક્યા હતા. બોલાચાલી વણસીને હિંસક ઘર્ષણમાં ફેરવાઈ ગઈ. ત્યાં પહેલેથી જ તૈનાત પોલીસે ટોળાને વિખેરવાનો પ્રયાસ કરતાં કેટલાક લોકોએ પોલીસ પર હુમલો કરી દીધો.

આ હુમલામાં રાધનપુરના પીએસઆઈ એચ. વી. ચૌધરીને લોખંડની ખુરશી વડે ગંભીર ઈજા થઈ છે. તેમણે સારવાર બાદ પોલીસ સ્ટેશનમાં બે લોકો સામે નામજોગ અને અન્ય અજાણ્યા ટોળા સામે રાયોટિંગ અને ફરજમાં રુકાવટની ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપીઓની ધરપકડ માટે ટીમો બનાવી છે.

આ વિવાદનું મૂળ કિંજલ રબારીના લગ્નજીવન સાથે સંકળાયેલું છે. 2 મે 2024ના રોજ તેણે અશોક ચૌધરી સાથે પ્રેમલગ્ન કર્યા હતા, પરંતુ સમાજના દબાણથી છૂટાછેડા લેવા પડ્યા હતા. 15 જૂન 2026ના રોજ કોર્ટની મુદ્દત વખતે અશોક પર હુમલો પણ થયો હતો. ત્યારબાદ કિંજલે ગોતરકા ગામના યુવાન સાથે લગ્ન કર્યા હતા. કિંજલ ગુમ થઈ ત્યારે ચાંદખેડા પોલીસે મહેસાણા અને પાટણમાં તપાસ ટીમો મોકલી હતી. આ મામલે હવે ગામમાં શાંતિ જાળવવા વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે હાજર છે.