બોલિવૂડ માટે 2026ની શરૂઆત ધમાકેદાર રહી છે. 'ધુરંધર-2'ની સફળતા બાદ હવે શાહરુખ ખાન અને રણબીર કપૂરની ફિલ્મો રેકોર્ડ તોડવા તૈયાર છે. શાહરુખ ખાનની ફિલ્મ 'કિંગ'ના વિદેશી થિયેટ્રિકલ હકો 175 કરોડ રૂપિયામાં વેચાયા છે, જ્યારે રણબીર કપૂરની 'રામાયણ'એ એડવાન્સ બુકિંગમાં 43 કરોડ રૂપિયથી વધુની કમાણી કરી લીધી છે.
'પિંકવિલા'ના અહેવાલ મુજબ, ફાર્સ ફિલ્મ્સે 'કિંગ'ના વિદેશી હકો ખરીદ્યા છે. આ ડીલને ભારતીય સિનેમાના ઇતિહાસની સૌથી મોટી ઓવરસીઝ રાઇટ્સ ડીલ ગણવામાં આવી રહી છે. અત્યાર સુધી કોઈ ભારતીય ફિલ્મના વિદેશી હકો 100 કરોડ રૂપિયા સુધી પહોંચ્યા નહોતા, તેથી આ નવો વિક્રમ છે.
ફાર્સ ફિલ્મ્સને વિદેશમાં ફિલ્મ વિતરણનો અનુભવ છે. કંપનીએ યશરાજ ફિલ્મ્સની ઘણી ફિલ્મો સાથે ભાગીદારી કરી છે અને પ્રભાસની 'સાહો'ને વિદેશોમાં એકમાત્ર ડિસ્ટ્રિબ્યુટ કરી હતી. અહેવાલ મુજબ, કંપનીએ 'કિંગ'ના હકો માટે 175 કરોડ રૂપિયાની મિનિમમ ગેરંટી (MG) આપી છે.
સામાન્ય રીતે બોલિવૂડ ફિલ્મોના વિદેશમાં વિતરણ માટે કમિશન મોડલ અપનાવવામાં આવે છે, જેમાં ડિસ્ટ્રિબ્યુટર ફિલ્મના હકો ખરીદવાને બદલે કમિશન લે છે. યશ રાજ ફિલ્મ્સે 'જવાન' અને 'ડંકી'ને વિદેશોમાં આ જ મોડલ પર રિલીઝ કરી હતી. 'કિંગ' માટે પણ શરૂઆતમાં આ જ યોજના હતી, પરંતુ ફાર્સ ફિલ્મ્સે એટલી મોટી રકમની ઓફર કરી કે ડીલ બદલાઈ ગઈ.
'કિંગ'નું નવું પોસ્ટર મંગળવારે રિલીઝ કરવામાં આવ્યું હતું, જેમાં શાહરુખના હોઠ વચ્ચે ગુલાબ નજરે પડે છે.
મિનિમમ ગેરંટી ડિસ્ટ્રિબ્યુટરનો વિશ્વાસ દર્શાવે છે. વિદેશોમાં ડિસ્ટ્રિબ્યુટર્સને સામાન્ય રીતે બોક્સ ઑફિસ ગ્રોસનો 50% હિસ્સો મળે છે. આ હિસાબે 'કિંગ'ને માત્ર ખર્ચ કાઢવા (બ્રેક ઈવન) માટે 37-40 મિલિયન ડૉલર (આશરે 350-375 કરોડ રૂપિયા) કમાવા પડશે. નફો કરવા માટે તો આનાથી વધુ કમાણી જરૂરી છે. શાહરુખની અગાઉની ફિલ્મો 'પઠાણ' અને 'જવાન'એ વિદેશોમાં આશરે 400-400 કરોડ રૂપિયા કમાયા હતા. 'કિંગ'ને સફળ થવા માટે 'ધુરંધર 2'ના 460 કરોડ રૂપિયા અથવા 'RRR'ના 430 કરોડ રૂપિયાની નજીક પહોંચવું પડશે.
'કિંગ'નું દિગ્દર્શન સિદ્ધાર્થ આનંદ કરી રહ્યા છે. ફિલ્મનું નિર્માણ રેડ ચિલીઝ એન્ટરટેઇનમેન્ટ અને મારફ્લિક્સ પિક્ચર્સે મળીને કર્યું છે. ફિલ્મમાં શાહરુખ એક નવા એક્શન અવતારમાં જોવા મળશે. તેમની સાથે દીપિકા પાદુકોણ, રાની મુખર્જી, અભિષેક બચ્ચન, સુહાના ખાન, અનિલ કપૂર, અભય વર્મા અને અરશદ વારસી પણ છે. 'કિંગ'ની વાર્તા એક ગુરુ અને શિષ્યની સફર પર આધારિત છે, જેઓ મુશ્કેલ પરિસ્થિતિઓમાં પોતાના અસ્તિત્વ માટે સંઘર્ષ કરે છે.
અહેવાલો અનુસાર 'કિંગ'નું બજેટ લગભગ 350થી 400 કરોડ રૂપિયા વચ્ચે છે. ફિલ્મ ક્રિસમસ 2026માં રિલીઝ થશે, જ્યારે 'જુમાન્જી', 'એવેન્જર્સ: ડૂમ્સડે' અને 'ડ્યૂન 3' જેવી હોલિવુડ ફિલ્મો પણ રિલીઝ થશે. આ સ્પર્ધાને જોતા ફિલ્મ માટે મોટા પાયે થિયેટર રિલીઝનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
બીજી તરફ, બોલિવૂડ હંગામાના અહેવાલ મુજબ ફિલ્મ ડિસ્ટ્રિબ્યુશન કંપની પેન મરુધરે 'કિંગ'ના ઑલ ઈન્ડિયા ડિસ્ટ્રિબ્યુશન હકો 250 કરોડ રૂપિયામાં ખરીદી લીધા છે. પેન મરુધરનો શાહરુખ ખાનના પ્રોડક્શન હાઉસ સાથે જૂનો સંબંધ છે. કંપની અગાઉ 'જવાન', 'ડંકી', 'ઝીરો', 'બદલા' અને 'ઇત્તેફાક' જેવી ફિલ્મો રિલીઝ કરી ચૂકી છે.
ઉલ્લેખનીય છે કે, રણબીર કપૂરની 'રામાયણ'ની એડવાન્સ બુકિંગ શરૂ થઈ ગઈ છે અને તેણે દેશ-વિદેશમાં 43 કરોડ રૂપિયથી વધુની કમાણી કરી લીધી છે. આ ફિલ્મ પણ આ વર્ષની મોટી રિલીઝમાં સામેલ છે.