કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાની મહિમા અને લોકોની અપાર શ્રદ્ધાને મોટા પડદે ઉતારતી ગુજરાતી ફિલ્મ 'કિંગ ઓફ સાળંગપુર'નું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. ઝી સ્ટુડિયોઝ અને વામિકા પ્રોડક્શનના બેનર હેઠળ બનેલી આ ફિલ્મનું ટ્રેલર સાળંગપુર ધામ ખાતે એક આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ઉત્સવ દરમિયાન રજૂ કરવામાં આવ્યું.
ટ્રેલરમાં આસ્થા, ભક્તિ અને લોકસંગીતનો સંગમ જોવા મળે છે. ટ્રેલરની શરૂઆત હનુમાનજીની સ્તુતિથી થાય છે. વાર્તામાં ત્રણ મિત્રો પોતાના ચોથા મિત્રનો જીવ બચાવવા દાદાના ધામ સુધી પહોંચે છે. એક તરફ લોકોની હનુમાનજી પર અસીમ શ્રદ્ધા છે, તો બીજી તરફ યુવાનોના મનમાં કેટલાક સંશય પણ છે.
યુવાનોના સંશય દૂર કરવા એક વડીલ તેમને ઇતિહાસ કહે છે. વાર્તા વિક્રમ સંવંત 1905થી શરૂ થાય છે, જ્યારે ખાંભીમાંથી દાદાની પ્રતિમા આકાર લે છે. વાર્તા ઇતિહાસ અને વર્તમાન વચ્ચે આગળ વધે છે. ધ્વનિત નામનો યુવક અસફળતાથી નાસીપાસ થઈને આત્મહત્યાનો પ્રયાસ કરે છે. જ્યારે તેને બચાવવાના બધા રસ્તા બંધ થઈ જાય છે, ત્યારે ત્રણેય મિત્રો હનુમાનજીની શરણે પહોંચે છે.
પ્રશાંત દેશાવલના દિગ્દર્શનમાં બનેલી આ ફિલ્મ સંજય પ્રજાપતિએ લખી છે. ફિલ્મમાં આકાશ પંડ્યા, આર.જે. સલોની, ભૂષણ ભટ્ટ, ભાવિન અને મયૂર કુમાર સહિતના કલાકારો મહત્ત્વની ભૂમિકા ભજવે છે. ફિલ્મ 27 નવેમ્બર 2026ના રોજ રિલીઝ થવાની છે.