ગુજરાતી સિનેમામાં ધાર્મિક વિષયો પર ફિલ્મો બનાવવાનું ચલણ વધ્યું છે. આ ક્રમમાં, સાળંગપુરના શ્રી કષ્ટભંજન દેવના દિવ્ય વારસાને મોટા પડદે લાવવા માટે ફિલ્મ 'કિંગ ઓફ સાળંગપુર' તૈયાર થઈ છે. તાજેતરમાં આ ફિલ્મનું ટીઝર લોન્ચ કરવામાં આવ્યું છે. ફિલ્મ 27 નવેમ્બર 2026ના રોજ થિયેટરમાં રિલીઝ થશે.
ટીઝરમાં ત્રણ મિત્રોની વાર્તા દર્શાવવામાં આવી છે, જે જીવનની પરિસ્થિતિઓથી હારી ગયા છે. તેમાંથી એક મિત્રએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે અને તે હોસ્પિટલમાં મરણપથારીએ છે. પરિવારની આર્થિક સ્થિતિ પણ ખરાબ છે. આ સ્થિતિમાં હનુમાનજી પ્રત્યેની આસ્થા તેમને સાળંગપુર ખેંચી જાય છે. ટીઝરમાં સાળંગપુર મંદિરનો ઇતિહાસ, આસ્થા અને વારસાને દર્શાવવામાં આવ્યા છે.
ફિલ્મનું પોસ્ટર પણ રિલીઝ કરવામાં આવ્યું છે, જેમાં સાળંગપુર મંદિરની ભવ્યતા અને આકાશમાં વાદળો વચ્ચેથી આશીર્વાદ આપતા હનુમાન દાદાની ભવ્ય આકૃતિ દર્શાવવામાં આવી છે. પોસ્ટર પર હનુમાન ચાલીસાની ચોપાઈ 'સબ સુખ લહૈ તુમ્હારી સરના, તુમ રક્ષક કાહુ કો ડરના' લખવામાં આવી છે.
ઝી સ્ટુડિયોઝ અને વામિકા પ્રોડક્શન દ્વારા પ્રસ્તુત આ ફિલ્મમાં આકાશ પંડ્યા, આરજે સલોની, ભૂષણ ભટ્ટ, ભાવિન, મયૂર કુમાર, સાગર પંચાલ સહિતના કલાકારો મહત્ત્વની ભૂમિકામાં છે. ફિલ્મનું દિગ્દર્શન પ્રશાંત દેશાવલે કર્યું છે, જ્યારે ધ્રુવ દેશાવલ, અમિત સંતોકી, ચેતન થુમ્મર અને આનંદ અઘારા નિર્માતા છે. ઓએમજી પિક્ચર્સ ફિલ્મને વિદેશમાં રિલીઝ કરશે.
આ ફિલ્મની સાથે જ હોરર અને સસ્પેન્સથી ભરપૂર ફિલ્મ 'ઘનઘોર'નું મોશન પોસ્ટર પણ રિલીઝ થયું છે. આ ફિલ્મથી ગુજરાતી સિનેમામાં અમૂલ્ય યોગદાન આપનાર કનોડિયા પરિવારની ત્રીજી પેઢી ડેબ્યૂ કરી રહી છે. ગુજરાતી સિનેમાના સુપરસ્ટાર અને દિવંગત અભિનેતા નરેશ કનોડિયાના પૌત્ર અને હિતુ કનોડિયાના પુત્ર રાજવીર 'ઘનઘોર'થી ડેબ્યૂ કરી રહ્યો છે.
મોશન પોસ્ટરમાં રાતના રહસ્યમય વાતાવરણ વચ્ચે એક વિશાળ વડનું ઝાડ દેખાય છે. તેના થડ પર નાળાછડી વીંટળાયેલી છે, જેના પર ઘંટડીઓ લટકી રહી છે. થડ પર એક ફાનસ લટકી રહ્યો છે, જેની નીચે કાળા રંગનો મોટો માટીનો ઘડો મૂકેલો છે. ઘડા પર એક આકૃતિ દોરેલી છે, સાથે શ્રીફળ, ફૂલ અને અગરબત્તી પ્રગટેલી છે. બેકગ્રાઉન્ડમાં પૂનમનો ચંદ્ર ચમકી રહ્યો છે. પોસ્ટરમાં છેલ્લે લખ્યું છે, 'આવે છે... 2027 ઇન સિનેમા.'
નીવ એન્ટરટેઇનમેન્ટ પ્રસ્તુત અને શૈલેષ પરિહારના પ્રોડક્શન હેઠળ બનેલી આ ફિલ્મમાં રાજવીર ઉપરાંત મિત્ર ગઢવી, અંજલિ બારોટ, સંજય ગલસર, જાહ્નવી ચૌહાણ, રાગી જાની સહિતના કલાકારો મહત્ત્વની ભૂમિકામાં છે. ફિલ્મના દિગ્દર્શક રાજન રામગોપાલ વર્મા છે અને વાર્તા સુરજ બારલિયાએ લખી છે. ફિલ્મમાં હિતુ કનોડિયા અને મોના થીબા કનોડિયા સ્પેશિયલ અપિયરન્સ આપશે.