કિડની અને હૃદય એકબીજા સાથે ગાઢ રીતે જોડાયેલા છે. જ્યારે કિડની ધીમે ધીમે નબળી પડે છે ત્યારે શરીરમાં પાણી, સોડિયમ અને ઝેરી તત્વો જમા થાય છે. આનાથી બ્લડ પ્રેશર વધે છે અને હૃદય પર દબાણ વધે છે. તબીબી ભાષામાં આ સ્થિતિને 'કાર્ડિયોરેનલ સિન્ડ્રોમ' કહેવામાં આવે છે.
કિડનીના દર્દીઓમાં મૃત્યુનું સૌથી મોટું કારણ કિડની ફેલ્યોર નહીં, પરંતુ હૃદય રોગ હોય છે. કિડનીની બીમારી (CKD) થાય ત્યારે દર્દીનું ધ્યાન માત્ર ક્રિએટિનાઇન અને ડાયાલિસિસ પર હોય છે, પણ હૃદયની સંભાળ પણ એટલી જ જરૂરી છે.
કિડની નબળી પડવાથી શરીરમાં પ્રવાહી ભરાય છે, જેનાથી બ્લડ પ્રેશર વધે છે. હૃદયને આ પ્રવાહી પંપ કરવા માટે વધુ મહેનત કરવી પડે છે, જેથી હાર્ટ ફેલ્યોરનું જોખમ વધે છે. કિડની રેનિન હોર્મોન બનાવે છે, જે બ્લડ પ્રેશર નિયંત્રિત કરે છે. કિડની ક્ષતિગ્રસ્ત થતાં આ સિસ્ટમ અસંતુલિત થાય છે, જેનાથી હૃદયના સ્નાયુઓ જાડા અને કઠણ થઈ જાય છે (લેફ્ટ વેન્ટ્રિક્યુલર હાઇપરટ્રોફી).
કિડની ઇરિથ્રોપોઇટિન (EPO) હોર્મોન પેદા કરે છે, જે લાલ રક્તકણો બનાવવામાં મદદ કરે છે. કિડની ફેલ થવાથી એનિમિયા થાય છે. શરીરને પૂરતો ઓક્સિજન મળે તે માટે હૃદયને ઝડપથી ધબકવું પડે છે, જેથી હૃદય નબળું પડે છે. લોહીમાં યુરિયા અને ઝેરી તત્વો ભરાઈ જવાથી ધમનીઓમાં સોજો આવે છે અને કેલ્શિયમ જમા થઈને ધમનીઓ કઠણ થાય છે. આનાથી સાયલન્ટ હાર્ટ એટેકનું જોખમ વધે છે. કિડની યોગ્ય રીતે કામ ન કરે ત્યારે પોટેશિયમનું પ્રમાણ વધી જાય છે, જે હૃદયના ધબકારા અનિયમિત કરી શકે છે અને સડન કાર્ડિયાક અરેસ્ટ થઈ શકે છે.
કિડનીના દર્દીઓએ આ લક્ષણો પર ધ્યાન આપવું જોઈએ: સામાન્ય શ્રમમાં પણ શ્વાસ ચડવો, સૂતી વખતે શ્વાસ લેવામાં તકલીફ, પગની ઘૂંટીઓ, પંજા કે ચહેરા પર સોજા, છાતીમાં ભારેપણું કે અનિયમિત ધબકારા, અને સતત ભારે થાક લાગવો.
બચાવ માટે દર 6 મહિને કે વર્ષે એકવાર ECG, 2D ઇકો અને કાર્ડિયોલોજિસ્ટની સલાહ લેવી જોઈએ. ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર (130/80ની અંદર) અને બ્લડ સુગર (HbA1c) કાબૂમાં રાખવા જોઈએ. ખોરાકમાં મીઠું ઓછું અને પ્રવાહી મર્યાદિત રાખવું જોઈએ. સીરમ ક્રિએટિનાઇન, eGFR, યુરિન આલ્બ્યુમિન, પોટેશિયમ અને લિપિડ પ્રોફાઇલની નિયમિત તપાસ કરાવવી જોઈએ. ધૂમ્રપાન અને વધુ પડતી પેઇનકિલર દવાઓ (NSAIDs) ટાળવી જોઈએ.
આ માહિતી સામાન્ય જાણકારી માટે છે. વધુ માહિતી માટે ડૉક્ટરની સલાહ લેવી.