સત્ય. સાહસ. સંકલ્પ.

ટોક્સિક ફ્લોપ બાદ કિયારા અડવાણીનું નિવેદન: 'મેં એ સીન માટે મારું બધું જ આપી દીધું હતું'

ટોક્સિક ફ્લોપ બાદ કિયારા અડવાણીનું નિવેદન: 'મેં એ સીન માટે મારું બધું જ આપી દીધું હતું'

બોલિવૂડ અભિનેત્રી કિયારા અડવાણીની ફિલ્મ 'ટોક્સિક' બોક્સ ઓફિસ પર અપેક્ષા મુજબની કમાણી કરવામાં નિષ્ફળ રહી છે. મોટી સ્ટારકાસ્ટ અને મોટા બજેટ પછી પણ ફિલ્મનું પ્રદર્શન નબળું રહેતાં ચર્ચા ચાલી રહી છે. આ દરમિયાન કિયારાએ એક ઇન્ટરવ્યુમાં ફિલ્મમાં પોતાના શૂટિંગના અનુભવ અને પાત્ર વિશે વાત કરી છે.

ફિલ્મમાં કિયારા સાથે યશ, નયનતારા અને તારા સુતારિયા જેવા કલાકારો જોવા મળ્યા હતા. મોટા કલાકારો અને મોટા બજેટ હોવા છતાં ફિલ્મની કમાણી અપેક્ષા મુજબ ન થઈ, જેને લઈને સતત ચર્ચા થતી રહી. હવે કિયારાએ ફિલ્મમાં પોતાના કામ અને શૂટિંગના અનુભવને લઈને વાત કરી છે.

કિયારાએ Harper’s Bazaar ને આપેલા ઇન્ટરવ્યુમાં ફિલ્મ 'ટોક્સિક'માં નાદિયાના પાત્ર માટે એક ખાસ સીનના શૂટિંગનો અનુભવ શેર કર્યો છે. તેમણે જણાવ્યું કે, 'મેં મારું બધું જ તે સીનમાં લગાવી દીધું હતું.'

કિયારાએ આગળ જણાવ્યું કે, શૂટિંગ પછી તે ખૂબ થાકી ગઈ હતી, પરંતુ તેણે પોતાની અંદરનું બધું જ તે સીનમાં આપી દીધું હતું. તેમણે યાદ કર્યું કે, જ્યારે સીન પૂરો થયો ત્યારે આખી કાસ્ટ અને ક્રૂ મોનિટર પાસે એકઠા થઈ ગયા હતા. બધાએ સાથે બેસીને તે ફાઇનલ સીન જોયો અને કિયારા માટે તે ક્ષણ આજે પણ ખૂબ ખાસ છે.

જો કે, આ ઇન્ટરવ્યુમાં તેમણે ફિલ્મને મળેલી ટીકા કે બોક્સ ઓફિસ પરના નબળા પ્રદર્શન વિશે કોઈ વાત કરી નથી.

આ જ ઇન્ટરવ્યુમાં કિયારાએ કહ્યું કે, એક અભિનેત્રી તરીકે તે પોતાને કોઈ એક મર્યાદામાં બાંધી રાખવા નથી માગતી. તે એવા પાત્ર કરતી રહેવા માગે છે, જે તેને પડકાર આપે. તેમણે કહ્યું, 'હું મારી આસપાસ કોઈ મર્યાદા નથી બનાવવા માગતી.' તેમણે ઉમેર્યું કે, દરેક પડકારજનક પાત્ર તેમના માટે આગળ કંઈક નવું કરવાની તક છે.

યશે પણ અત્યાર સુધી 'ટોક્સિક'ની નિષ્ફળતા પર સીધી રીતે કોઈ પ્રતિક્રિયા આપી નથી. યશના મિત્ર જયદેવ મોહને જણાવ્યું હતું કે, ફિલ્મને મળેલા પ્રતિભાવોથી અભિનેતા ખૂબ દુઃખી હતા.