સત્ય. સાહસ. સંકલ્પ.

ખેલ મહાકુંભ: રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓ પર દબાણ, મેદાન પર ખેલાડીઓ ઓછા

ખેલ મહાકુંભ: રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓ પર દબાણ, મેદાન પર ખેલાડીઓ ઓછા

ગુજરાતમાં આગામી ખેલ મહાકુંભ માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે. આ વખતે ગત વર્ષ કરતાં વધુ ખેલાડીઓ નોંધાવવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે. શાળાઓ અને શિક્ષકોને દરરોજ 1,000 થી 1,500 ખેલાડીઓનું રજિસ્ટ્રેશન કરવાની સૂચના અપાઈ છે. જે સંસ્થા સૌથી વધુ રજિસ્ટ્રેશન કરશે તેની ટોચની ત્રણ સંસ્થાઓને ઇનામ પણ આપવામાં આવશે. પરંતુ રમત જગતના જાણકારો કહે છે કે વાસ્તવિક મેદાન પર ખેલાડીઓની સંખ્યા ઓછી રહે છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, દરેક શાળા અને કોલેજને રજિસ્ટ્રેશન માટે ચોક્કસ ટાર્ગેટ આપવામાં આવ્યો છે. તમામ વિદ્યાર્થીઓને કોઈને કોઈ રમતમાં ખેલાડી તરીકે ઓનલાઇન નોંધાવવા મૌખિક સૂચનાઓ અપાઈ છે. વ્યાયામ શિક્ષકોથી લઈને કોચ સુધીના દરેકને દરરોજ 1,000 થી 1,500 ખેલાડીઓની નોંધણી કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. આ કામગીરી માટે રમતગમત વિભાગની સાથે શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને સંસ્થાઓ પણ મેદાને આવ્યા છે, જેથી શૈક્ષણિક સંસ્થાઓ પર દબાણ વધ્યું છે.

ગત વર્ષે એટલે કે 2024-25માં યોજાયેલા ખેલ મહાકુંભ 3.0માં કુલ 39 રમતો સામેલ હતી. તેમાં 71.30 લાખ ખેલાડીઓએ ઓનલાઇન રજિસ્ટ્રેશન કર્યું હતું. આ વખતે પણ રજિસ્ટ્રેશનનો આંકડો ગત વર્ષ કરતાં વધુ રહેવાનો અંદાજ છે.

સરકાર સૌથી વધુ રજિસ્ટ્રેશન કરનારી ટોચની ત્રણ સંસ્થાઓને અનુક્રમે 5 લાખ રૂપિયા, 3 લાખ રૂપિયા અને 2 લાખ રૂપિયાનું ઇનામ આપે છે. જોકે, જાણકારોના મતે વાસ્તવિક સ્થિતિ અલગ છે. ટીમ ગેમમાં 100 કે 150 ટીમો ઓનલાઇન નોંધાયેલી દેખાય, તો મેદાન પર રિપોર્ટિંગ વખતે આંકડો અડધો થઈ જાય છે. ઘણી શાળાઓ વિદ્યાર્થીઓને માત્ર રજિસ્ટ્રેશનમાં જ નોંધે છે, પરંતુ તેમને રમવા મોકલતી નથી. આ ફુગાવાને કારણે ખરેખર સ્પર્ધામાં ભાગ લેનારા ખેલાડીઓના સાચા આંકડા ક્યારેય જાહેરમાં આવતા નથી.