સત્ય. સાહસ. સંકલ્પ.

ખેડબ્રહ્મામાં ભાદરવી પૂનમે 10.25 લાખ ભક્તોએ મા અંબિકાના દર્શન કર્યા, 5,550થી વધુ ધજા ચઢાવાઈ

ખેડબ્રહ્મામાં ભાદરવી પૂનમે 10.25 લાખ ભક્તોએ મા અંબિકાના દર્શન કર્યા, 5,550થી વધુ ધજા ચઢાવાઈ

સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા ખાતે આવેલા અંબિકા માતાજી મંદિરમાં ભાદરવી પૂનમના પર્વે ભક્તિનો માહોલ જોવા મળ્યો હતો. રાજ્યભરમાંથી લાખો માઇભક્તો, પદયાત્રીઓ અને સંઘો માતાજીના દર્શન માટે ઉમટી પડ્યા હતા.

મંદિર ટ્રસ્ટના જણાવ્યા મુજબ, ભાદરવા એકમથી પૂનમ સુધીના 15 દિવસ દરમિયાન 10 લાખ 25 હજારથી વધુ ભક્તોએ મા અંબિકાના દર્શન કર્યા હતા. આ સમયગાળામાં 525થી વધુ પદયાત્રી સંઘો મંદિરે પહોંચ્યા હતા અને 5,550થી વધુ ધજા ચઢાવવામાં આવી હતી.

ખેડબ્રહ્મા ખાતે વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ દૂર-દૂરથી ભક્તો પદયાત્રા કરીને માતાજીના ધામમાં પહોંચે છે. અમદાવાદના ગોતા વિસ્તારમાંથી આવતા ફાલ્ગુની પટેલ છેલ્લા 45 વર્ષથી પરિવાર સાથે દર્શનાર્થે આવે છે અને એકમથી પૂનમ સુધી ભક્તો માટે ભોજન તથા ચા-નાસ્તાના ભંડારાનું આયોજન કરે છે. તેવી જ રીતે વિસનગરના દિનેશ પટેલ છેલ્લા 51 વર્ષથી સંઘ લઈને આવે છે, ધજારોહણ કરે છે અને આગામી આસો સુદ નવરાત્રિમાં માતાજીને પોતાના ઘરે પધારવા આમંત્રણ આપે છે.

અગિયારસથી પૂનમ સુધી પદયાત્રીઓ માટે માત્ર 20 રૂપિયાના ટોકન દરે પૌષ્ટિક ભોજનની સુવિધા આપવામાં આવી હતી. યાત્રિકો માટે સ્નાન, શૌચાલય અને રહેવાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.

સાબરકાંઠા જિલ્લા પોલીસ પરિવાર દ્વારા પ્રજાની સુરક્ષા, શાંતિ અને સુખાકારી માટે વિશેષ પગપાળા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગાંધીનગર રેન્જ આઈજી, જિલ્લા પોલીસ વડા, એલસીબી અને એસઓજી સહિતના વિભાગના અધિકારીઓ તથા કર્મચારીઓએ હાથમાં ધ્વજ લઈ, ડીજેના તાલે અબીલ-ગુલાલની છાંટણા સાથે ગરબે ઘૂમીને ધજારોહણ કર્યું હતું.

ભક્તોની ભીડને ધ્યાનમાં રાખીને મંદિર ટ્રસ્ટ અને પોલીસ વિભાગ દ્વારા સુરક્ષાના પૂરતા પ્રબંધ કરવામાં આવ્યા હતા. સમગ્ર મંદિર પરિસર અને મેળા વિસ્તારમાં 120 જેટલા સીસીટીવી કેમેરા દ્વારા નજર રાખવામાં આવી હતી. પોલીસ બંદોબસ્ત સાથે ખાનગી સિક્યોરિટી ગાર્ડ્સ પણ તૈનાત રહ્યા હતા.