ખેડા જિલ્લામાં માતર-તારાપુર રોડ પર ખોડિયાર ચોકડી પાસે રિક્ષા અને ઈકો કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે, જ્યારે ચાર લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
મળતી માહિતી અનુસાર, પૂરપાટ આવતી ઈકો કારે રિક્ષાને જોરદાર ટક્કર મારતાં આ અકસ્માત થયો હતો. અકસ્માતની જાણ થતાં સ્થાનિક લોકો ઘટનાસ્થળે એકઠા થયા હતા અને 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
અકસ્માત બાદ ઈકો કારનો ચાલક ફરાર થઈ ગયો હતો, પરંતુ પોલીસે તેને ઝડપી પાડ્યો છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ અને ધારાસભ્ય ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પોલીસે મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની કાર્યવાહી શરૂ કરી છે. અકસ્માતને કારણે માતર-તારાપુર રોડ પર વાહનવ્યવહાર પ્રભાવિત થયો હતો.
મૃતકોના નામ: અમરસિંહ બુધાભાઈ વાઘેલા (રહે. શેખુપુર), બળવંત વિષ્ણુભાઈ ચુનારા (રહે. દેથલી) અને મલેક અબ્દુલકૈયુમ ડોસુમીયા (રહે. સીંજીવાડા).
ઈજાગ્રસ્તોના નામ: વિક્રમભાઈ અજીતભાઈ તળપદા, પ્રવીણભાઈ રાઠોડભાઈ રાવળ, લક્ષ્મણભાઈ સોમાભાઈ પરમાર અને ભાવનાબહેન લાલજીભાઈ રબારી.