ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના તીનબત્તી વિસ્તારમાં વહેલી સવારે મોબાઈલ લૂંટની ઘટના બની હતી. એક અજાણ્યો શખ્સ યુવકના હાથમાંથી રૂ. 15 હજાર કિંમતનો મોબાઈલ ઝૂંટવીને ભાગી ગયો હતો. યુવક અને નજીકના એક દુકાનદારે તેનો પીછો કર્યો હતો.
પીછો કરતી વખતે યુવક બસ સ્ટેન્ડ પાછળ આવેલી તલાવડીમાં પડી ગયો હતો. તેને તરતા નહોતું આવડતું, જેથી પાણીમાં ડૂબી જવાથી તેનું મોત નીપજ્યું હતું.
બનાવની જાણ થતાં સ્થાનિકો અને પોલીસ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને યુવકનો મૃતદેહ તળાવમાંથી બહાર કાઢ્યો હતો. આ સમગ્ર ઘટના નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે.
ઠાસરા પોલીસ મથકમાં અજાણ્યા લૂંટારૂ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે અને સીસીટીવી ફૂટેજના આધારે આરોપીને પકડવા પોલીસે તપાસ શરૂ કરી છે.