સત્ય. સાહસ. સંકલ્પ.

લવાલ ગામમાં ફ્રેન્ડ રિકવેસ્ટને લઈને મારામારી: સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સરના પુત્ર સહિત 9 સામે ફરિયાદ

લવાલ ગામમાં ફ્રેન્ડ રિકવેસ્ટને લઈને મારામારી: સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સરના પુત્ર સહિત 9 સામે ફરિયાદ

ખેડા જિલ્લાના લવાલ ગામે સોશિયલ મીડિયા પર ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલવાની ઘટનાને લઈને મારામારી થયાનો કેસ સામે આવ્યો છે. સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર મહિપતસિંહ ચૌહાણના પુત્ર કૃષ્ણપાલસિંહ સહિત 9 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

ફરિયાદ મુજબ, લવાલ ગામના મહાવીરસિંહ કિશોરસિંહ ચૌહાણ નડિયાદની કોલેજમાં અભ્યાસ કરે છે. તેમણે દોઢેક મહિના પહેલા તેમની સાથે અભ્યાસ કરતી એક યુવતીને સોશિયલ મીડિયા પર ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી હતી. આ બાબતની જાણ જયપાલસિંહ સંજયસિંહ ચૌહાણને થતાં તે અવારનવાર ઝઘડો કરતો હતો.

ગત 26 સપ્ટેમ્બરની રાત્રે નવ વાગ્યાની આસપાસ મહાવીરસિંહ ગામના બગીચા પાસે બેઠા હતા. ત્યારે જયપાલસિંહ, કૃષ્ણપાલસિંહ મહિપતસિંહ ચૌહાણ, મુકેશ સરદારસિંહ ચૌહાણ, આર્યન અમિત રાઠોડ અને રાજવીરસિંહ હિતેન્દ્રસિંહ ચૌહાણ સહિતના લોકો ભેગા થઈને આવ્યા હતા. આ દરમિયાન કૃષ્ણપાલસિંહે હાથમાં રહેલી લોખંડની પાઇપ મહાવીરસિંહના માથામાં મારી દેતાં તેમને ગંભીર ઈજા પહોંચી હતી. માથામાંથી લોહી નીકળવા લાગતાં સ્થાનિક લોકોએ આવીને તેમને વધુ મારમાંથી છોડાવ્યા હતા. ત્યારબાદ ઈજાગ્રસ્તને સારવાર માટે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

બીજી તરફ, કૃષ્ણપાલસિંહે પણ આ ઘટનાને લઈને ફરિયાદ નોંધાવી છે. તેમની ફરિયાદ મુજબ, તેઓ તેમના પિતા દ્વારા કરવામાં આવતી સામાજિક સેવાના વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કરે છે. આ બાબતની અદાવત રાખીને ગામના મહાવીરસિંહ કિશોરસિંહ ચૌહાણ અને હંસરાજસિંહ ચન્દ્રસિંહ જાડેજા તેમને સોશિયલ મીડિયામાં પોસ્ટ ન મૂકવા બાબતે ઝઘડો કરતા હતા. ગત 26 સપ્ટેમ્બરની રાત્રે કૃષ્ણપાલસિંહ ગામના ગેટ પાસે ઊભા હતા ત્યારે મહાવીરસિંહ લોખંડની પાઇપ લઈને અન્ય 8 શખ્સો સાથે પહોંચ્યા હતા અને ગેરકાયદે મંડળી બનાવીને મારામારી કરી હતી. આ મારામારીમાં કૃષ્ણપાલસિંહને માથામાં ગંભીર ઈજા થઈ હતી. બૂમાબૂમ થતાં તેમને છોડાવવા આવેલા તેમના કાકા અને મિત્રને પણ માર મારવામાં આવ્યો હતો. ઘટના બાદ ઈજાગ્રસ્ત કૃષ્ણપાલસિંહને એમ્બ્યુલન્સ મારફતે ખેડાની હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા.

આ ઘટના સામે આવ્યા બાદ ફરિયાદી મહાવીરસિંહે જણાવ્યું હતું કે, સામેવાળાએ નોંધાવેલી ફરિયાદ ખોટી છે. તેમણે એવું લખાયું છે કે અમે સંકુલનો વિરોધ કરીએ છીએ અથવા વૃદ્ધાશ્રમનો વિરોધ કરીએ છીએ, પણ એવી કોઈ બાબત નથી. અમે સંકુલ કે વૃદ્ધાશ્રમનો વિરોધ કર્યો નથી. તેઓ સમૂહલગ્ન કરાવે છે, જે સારી વાત છે, પણ એક કહેવત છે કે 'દેવતાનો છોકરો કોલસા હોય'. મહિપતસિંહ ચૌહાણ ખૂબ સારું કામ કરે છે, પણ તેમનો દીકરો ગુંડાગીરી કરે છે. આ ઘટનામાં મેં યુવતીને ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી હતી, એટલે જયપાલસિંહે મને મારવાની ધમકી આપી હતી. ફક્ત ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલવાની બાબતે આ ઘટના થઈ હતી.

ઉલ્લેખનીય છે કે, મહિપતસિંહ ચૌહાણ ગુજરાતના ખેડા જિલ્લાના લવાલ ગામના વતની, સામાજિક કાર્યકર અને 'મહિપતસિંહ ચૌહાણ ફાઉન્ડેશન'ના સ્થાપક છે. તેઓ 'માહી સરપંચ'ના હુલામણા નામથી પણ ઓળખાય છે. આ ઘટના અંગે તેમનો ટેલિફોનિક સંપર્ક કરવામાં આવ્યો હતો, પરંતુ તેમણે કોઈ પ્રતિક્રિયા આપી ન હતી.