ખેડા જિલ્લાના માતર-તારાપુર રોડ પર આવેલી ખોડિયાર ચોકડી નજીક ગઈકાલે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. પૂરઝડપે આવી રહેલી એક ઇકો ગાડીએ મુસાફરોથી ભરેલી રિક્ષાને જોરદાર ટક્કર મારી હતી, જેમાં રિક્ષાનો કુરચો બોલી ગયો હતો. આ અકસ્માતમાં ત્રણ વ્યક્તિઓએ ઘટનાસ્થળે જ પ્રાણ ગુમાવ્યા હતા.
ટક્કર એટલી ભયાનક હતી કે અવાજ સાંભળીને આસપાસના સ્થાનિક લોકો અને વાહનચાલકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. સ્થાનિક લોકોએ જ રાહત અને બચાવ કામગીરી શરૂ કરીને રિક્ષામાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા.
ઘટનાની જાણ થતાં જ પોલીસ અને 108 એમ્બ્યુલન્સ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. અકસ્માતમાં ઘાયલ થયેલા ચારેય લોકોને તાત્કાલિક ખેડા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત સ્થિર હોવાનું જાણવા મળે છે.
અકસ્માતની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સ્થાનિક ધારાસભ્ય કલ્પેશ પરમાર તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. ત્યારબાદ તેમણે સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈને તબીબો સાથે ચર્ચા કરી હતી અને ઘાયલોને યોગ્ય તબીબી સુવિધા મળી રહે તે માટે જરૂરી સૂચનાઓ આપી હતી.
અકસ્માતના કારણે માતર-તારાપુર રોડ પર થોડા સમય માટે વાહનવ્યવહાર ખોરવાયો હતો અને લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યાં હતાં. માતર પોલીસનો કાફલો તરત જ સ્થળ પર પહોંચી ગયો હતો અને અકસ્માતગ્રસ્ત વાહનોને રોડ પરથી હટાવીને ટ્રાફિક પૂર્વવત્ કરાવ્યો હતો.
પોલીસે ત્રણેય મૃતકોના દેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. માતર પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધીને વાહનની ઝડપ, ચાલકની બેદરકારી અને અકસ્માતના ચોક્કસ કારણો જાણવા માટે ઝીણવટભરી તપાસ શરૂ કરી છે.