સત્ય. સાહસ. સંકલ્પ.

ખડગેના નિવેદન પર કોંગ્રેસની સ્પષ્ટતા: 'ભાજપ કાર્યકરે અસભ્ય ભાષા વાપરી હતી'

ખડગેના નિવેદન પર કોંગ્રેસની સ્પષ્ટતા: 'ભાજપ કાર્યકરે અસભ્ય ભાષા વાપરી હતી'

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અંગેના નિવેદન પર રાજકીય વિવાદ શરૂ થયો છે. કોંગ્રેસે આ મામલે સ્પષ્ટતા કરી છે કે બિહારમાં ખડગે સંબોધન કરી રહ્યા હતા ત્યારે ભાજપના એક કાર્યકરે અસભ્ય ભાષા વાપરી હતી. તેના જવાબમાં ખડગેએ કહ્યું હતું કે "મોદી પણ જશે અને તેમના વૈચારિક પિતા RSSના મોહન ભાગવત પણ જશે."

કોંગ્રેસના પ્રવક્તા પવન ખેરાએ જણાવ્યું કે ઉત્તરાખંડમાં ખડગેના ભાષણ પછી ભાજપ અને RSS દ્વારા મંચનું શુદ્ધિકરણ કરવામાં આવ્યું હતું. બિહારમાં પણ જ્યારે ખડગે સંબોધન કરી રહ્યા હતા ત્યારે હોલમાં હાજર એક ભાજપ કાર્યકરે ઊભા થઈને અત્યંત અસભ્ય ભાષામાં કહ્યું કે "તેમનો બાપ પણ આવે તોય મોદી નહીં હારે." આ અશોભનીય વર્તનના જવાબમાં ખડગેએ જડબાતોડ પ્રતિક્રિયા આપી હતી.

ખેરાએ વધુમાં જણાવ્યું કે દેશ હવે RSS અને ભાજપથી મુક્તિ મેળવવા માટે તૈયાર છે. તેમણે રોષ વ્યક્ત કરતાં કહ્યું કે દેશના એક રાષ્ટ્રીય અધ્યક્ષ સાથે વારંવાર થઈ રહેલા આવા ગેરવર્તનથી દેશનો દરેક નાગરિક આહત થયો છે.

આ નિવેદન સામે ભાજપ અને NDA ગઠબંધનના નેતાઓએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા છે. કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે સ્વર્ગસ્થ વ્યક્તિઓના સન્માનની સંસ્કૃતિ યાદ અપાવી કોંગ્રેસ પાસે જવાબ માંગ્યો હતો, જ્યારે સંબિત પાત્રાએ તેને રાહુલ ગાંધીની ભાષા ગણાવી હતી. કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ, જેડીયુ પ્રવક્તા રાજીવ રંજન પ્રસાદ, નીતિન નવીન અને વિરેન્દ્ર સચદેવા જેવા નેતાઓએ પણ ખડગેની ભાષાને મર્યાદાહીન ગણાવી આકરો વિરોધ નોંધાવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે બિહારના પટનામાં ડૉ. શ્રી કૃષ્ણ સિંહની 139મી જયંતી નિમિત્તે આયોજિત સભામાં મલ્લિકાર્જુન ખડગે કેન્દ્ર સરકાર પર પ્રહારો કરી રહ્યા હતા. તે દરમિયાન સભાગૃહમાંથી એક યુવકે ઊભા થઈને વિરોધ કરતા 'મોદી ક્યાંય નહીં જાય' તેવી બૂમ પાડી હતી. જેના વળતા જવાબમાં ખડગેએ મંચ પરથી 'મોદી કા બાપ ભી જાયેગા' ટિપ્પણી કરી હતી, જેને પગલે સભામાં હોબાળો મચ્યો હતો અને દેશભરમાં રાજકીય વિવાદ સર્જાયો હતો.