નવી દિલ્હી: દેશમાં મતદાર યાદીના વિશેષ સઘન પુનરીક્ષણ (SIR)ની પ્રક્રિયા ચાલી રહી છે. આ પ્રક્રિયા હેઠળ ચૂંટણી પંચે પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણી સહિત ભાજપના અનેક વરિષ્ઠ નેતાઓને નોટિસ મોકલી છે. ચૂંટણી પંચની આ કાર્યવાહી બાદ રાજકીય વાતાવરણ ગરમ બન્યું છે.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ સોશિયલ મીડિયા પર આ મુદ્દે ચૂંટણી પંચ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે SIR પ્રક્રિયાને 'ફ્રેન્કેસ્ટાઈન મોન્સ્ટર' ગણાવી છે.
ખડગેએ કહ્યું કે, 'બિહારથી શરૂ થયેલી SIR પ્રક્રિયા હવે દિલ્હીના દરવાજે પહોંચી ગઈ છે. કદાચ હવે સત્તાધીશોને સમજાઈ રહ્યું હશે કે કોંગ્રેસ પક્ષ શા માટે પહેલા જ દિવસથી આ સમગ્ર પ્રક્રિયાને ખામીયુક્ત ગણાવી રહ્યો હતો.'
તેમણે વધુમાં કહ્યું કે, 'SIR એ માત્ર ભાજપ દ્વારા મત ચોરી અને લોકશાહીને ખતમ કરવાનું હથિયાર નથી, પરંતુ આ ખામીયુક્ત પ્રક્રિયા હવે એક એવું ફ્રેન્કેસ્ટાઈન મોન્સ્ટર બની ગઈ છે જેણે પોતાના જ લોકોને સકંજામાં લઈ લીધા છે.'
ખડગેએ જણાવ્યું કે ભાજપના સૌથી વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી, વર્તમાન વિદેશ મંત્રી, દિલ્હીના ઉપરાજ્યપાલ (LG), રાજ્યસભા સાંસદ, પૂર્વ કેન્દ્રીય મંત્રી અને પૂર્વ મુખ્યમંત્રી સહિતના દિગ્ગજોને નોટિસ આપવામાં આવી છે. સ્થિતિ એવી બની છે કે આ પહેલાં ભારત રત્નથી સન્માનિત વૈજ્ઞાનિક અને પૂર્વ નૌસેના પ્રમુખને પણ નોટિસ ફટકારવામાં આવી ચૂકી છે.
મતદારોના અધિકાર અંગે ચિંતા વ્યક્ત કરતાં ખડગેએ લખ્યું કે, 'બંગાળમાં જે લોકોના નામ કાપીને તેમને મતદાન કરતાં રોકવામાં આવ્યા હતા, તેમાંથી અત્યાર સુધીના ચુકાદા આવેલા કેસોમાં 93% લોકો પોતાની અપીલ જીતી ગયા છે. તેનો અર્થ એ થયો કે 1,13,943 લોકોને ફરીથી મતદાર યાદીમાં સામેલ કરવામાં આવશે. આખરે કયા આધારે તેમનો મતાધિકાર છીનવી લેવામાં આવ્યો હતો?'
ચૂંટણી પંચ દ્વારા બહાર પાડવામાં આવેલી પ્રેસ રિલીઝ સામે સવાલ ઉઠાવતાં ખડગેએ કહ્યું કે, 'ચૂંટણી પંચ હવે સત્તાવાર પ્રેસ રિલીઝ બહાર પાડીને VIP અથવા માર્કડ મતદારોનો ઉલ્લેખ કરી રહ્યું છે. શું હવે ભારતના સાર્વત્રિક પુખ્ત મતાધિકારમાં મતદારોની કોઈ વિશેષ કેટેગરી ઊભી થઈ ગઈ છે, જેમ કે VIP મતદાર અને સામાન્ય મતદાર? શું આપણા બંધારણે આપેલા 'વન પર્સન, વન વોટ, વન વેલ્યૂ'ના સિદ્ધાંતનું આ ઉલ્લંઘન નથી? શું હવે VIP વોટ વધારે કિંમતી બની ગયો છે?'
ખડગેએ આંકડાકીય વિગતો રજૂ કરતાં વધુમાં લખ્યું કે, 'SIRના પ્રથમ 3 તબક્કામાં 31 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 13.8 કરોડ લોકો મતદાર યાદીમાંથી બહાર થઈ ગયા છે, જે કુલ 94.78 કરોડ મતદારોના લગભગ 14.61% જેટલા થાય છે. આટલી મોટી સંખ્યા બાદ પણ કોના ઈશારે હાથ પર હાથ ધરીને બેસી રહેવામાં આવ્યું છે? VIP લોકો માટે પ્રેસ રિલીઝ અને કરોડો સામાન્ય મતદારો માટે માત્ર ખામોશી!'