દિલ્હીમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવાસસ્થાને શનિવારે 'મોક સંસદ'નું આયોજન કરવામાં આવ્યું હતું. પૂર્વ લોકસભા અધ્યક્ષ મીરા કુમાર આ મોક સંસદની અધ્યક્ષતા કરી રહ્યાં હતાં. આ કાર્યક્રમમાં કોંગ્રેસ સહિત 19 રાજકીય પક્ષોના નેતાઓ જોડાયા હતા.
ખડગેએ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ જનમહાભિયોગની જાહેરાત કરી હતી. જાહેર મહાભિયોગ એટલે જનતા કે રાજકીય પક્ષો દ્વારા કોઈ બંધારણીય પદ પર બેઠેલી વ્યક્તિ વિરુદ્ધ વિરોધ વ્યક્ત કરવો. આ કાર્યક્રમ શુક્રવારે યોજાવાનો હતો, પરંતુ વરસાદને કારણે તેને મુલતવી રાખવામાં આવ્યો હતો.
ખડગેએ કહ્યું કે જ્ઞાનેશ કુમારને મળેલું કાયદાકીય રક્ષણ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહે ડિસેમ્બર 2023માં આપ્યું હતું. તેમણે આ કાયદાને બંધારણ વિરુદ્ધ ગણાવતાં કહ્યું કે જ્ઞાનેશ કુમારને તાત્કાલિક પદ પરથી હટાવવા જોઈએ અને 2023નો કાયદો રદ કરવો જોઈએ.
કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે ભારત બંધારણના ઘડવૈયાઓએ દરેક નાગરિકને સમાન દરજ્જો અને મતાધિકાર આપ્યો છે. તેમણે ઉમેર્યું કે અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સ જેવા દેશોમાં લોકશાહી આવ્યા પછી પણ મહિલાઓને તરત મતાધિકાર મળ્યો નહોતો, જ્યારે ભારતમાં બંધારણ લાગુ થતાં જ સૌને મતાધિકાર આપવામાં આવ્યો.
SIR (મતદાર યાદીમાં વિશેષ પુનરાવલોકન) અંગે ખડગેએ કહ્યું કે આ પ્રક્રિયાની રચનામાં જ ખામીઓ છે. તેમણે જણાવ્યું કે તેમણે રાષ્ટ્રપતિને મળીને અને સુપ્રીમ કોર્ટમાં જઈને વિરોધ વ્યક્ત કર્યો હતો, પરંતુ હવે મજબૂરીમાં રસ્તા પર આવવું પડ્યું છે. તેમણે આરોપ મૂક્યો કે મોદી સરકારે મોટી સંખ્યામાં લોકોની ધરપકડ કરી, વિરોધ પ્રદર્શન પર રોક લગાવી તથા રેલવે અને ઇન્ટરનેટ બંધ કરી દીધા.
ખડગેએ મહારાષ્ટ્ર અને કર્ણાટકની ચૂંટણીઓમાં મતદાર યાદીમાં ગેરરીતિનો આરોપ પણ મૂક્યો. તેમણે કહ્યું કે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં 40 લાખ નવાં નામ ઉમેરવામાં આવ્યાં, જેના કારણે પરિણામ પલટાઈ ગયું, અને SIR દરમિયાન પાંચ ગણા વધુ નામ કાઢી નાખવામાં આવ્યા છે. તેમણે આ કાર્ય માટે જ્ઞાનેશ કુમાર, મોદી અને શાહને જવાબદાર ઠેરવ્યા. તેમણે કહ્યું કે રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ પાસે 18 વખત માહિતી માંગી, પરંતુ આજ સુધી જવાબ મળ્યો નથી.
ખડગેએ આરોપ મૂક્યો કે સત્તા પર રહેવા માટે ષડયંત્ર થઈ રહ્યું છે. તેમણે ચૂંટણી બોન્ડ, સાંસદોની ચોરી અને હવે મત ચોરીનાં ઉદાહરણો ટાંક્યાં. તેમણે કહ્યું કે વિપક્ષના 145 સાંસદોને સસ્પેન્ડ કરીને આ કાયદો પસાર કરાવવામાં આવ્યો, જે ચૂંટણી કમિશનરને એવી સુરક્ષા આપે છે જે રાષ્ટ્રપતિને પણ મળેલી નથી.
કાર્યક્રમમાં દિલ્હીનાં અનિતા જયસવાલે પણ હાજરી આપી હતી. તેમણે કહ્યું કે મતદાર યાદીમાંથી તેમનું નામ કાઢી નાખવામાં આવ્યું છે. અનિતા દૈનિક મજૂરી કરે છે અને સિંગલ મધર છે. તેમણે જણાવ્યું કે આ જ ઓળખપત્રથી તેમણે આધાર કાર્ડ બનાવડાવ્યું છે અને તેમની દીકરીને શાળામાં શિષ્યવૃત્તિ મળી રહી છે. તેમણે પૂછ્યું કે હવે તેઓ ક્યાં જાય અને તેમણે કઈ રીતે સાબિત કરવું કે તેઓ કયા દેશનાં નાગરિક છે.