સત્ય. સાહસ. સંકલ્પ.

ખડગેની 'મોદી કા બાપ ભી જાયેગા' ટિપ્પણી પર ભાજપ-એનડીએ નેતાઓનો કડક વિરોધ

ખડગેની 'મોદી કા બાપ ભી જાયેગા' ટિપ્પણી પર ભાજપ-એનડીએ નેતાઓનો કડક વિરોધ

પટનામાં ડો. શ્રી કૃષ્ણ સિંહની 139મી જયંતી નિમિત્તે યોજાયેલા સમારોહમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના સ્વર્ગસ્થ પિતા વિરુદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણી કરી છે. આ ટિપ્પણીથી દેશભરમાં રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે.

ખડગેએ કહ્યું હતું કે 'મોદી કા બાપ ભી જાયેગા'. આ નિવેદન સામે કેન્દ્રીય મંત્રીઓ, સાંસદો અને એનડીએ ગઠબંધનના નેતાઓએ આકરી નારાજગી વ્યક્ત કરી કોંગ્રેસ પક્ષની આલોચના કરી છે.

કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ખડગેના નિવેદનની આકરી ટીકા કરતા કહ્યું કે, 'વડાપ્રધાનના પિતા વિશે કરવામાં આવેલી આવી ટિપ્પણીથી હું અત્યંત દુઃખી છું. ખડગેજી જેવા વરિષ્ઠ નેતા પાસેથી આવી અભદ્ર ભાષા વાપરવાની અપેક્ષા નહોતી. ભારતના મૂલ્યો અને સંસ્કૃતિ સ્વર્ગસ્થ લોકોનું સન્માન કરવાનું શીખવે છે. આ દેશમાં દુશ્મનના ગયા પછી પણ તેના માટે ખરાબ ભાષા નથી બોલાતી. વારંવારની હારના કારણે કોંગ્રેસના નેતાઓ શું બોલી રહ્યા છે તેનું ભાન ભૂલી ગયા છે અને જાણે માનસિક સંતુલન ગુમાવી દીધું છે. આવા વ્યક્તિ રાષ્ટ્રીય અધ્યક્ષ પદ માટે યોગ્ય છે કે નહીં તે અંગે કોંગ્રેસે વિચારવું જોઈએ; કાં તો તેમને પદ પરથી હટાવો અથવા આખી કોંગ્રેસ જવાબ આપે.'

ભાજપના સાંસદ સંબિત પાત્રાએ પ્રતિક્રિયા આપતાં કહ્યું કે, 'ખડગે મારા પિતાની ઉંમરના છે અને લોકશાહીમાં આવા શબ્દો શોભતા નથી. મને નથી લાગતું કે આ ખડગેના પોતાના શબ્દો છે, આ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની ભાષા છે. જ્યારે ખડગે મોદીજીને હટાવવાની વાતો કરતા હતા ત્યારે તેમની જ સભામાં કાર્યકરે કહ્યું કે મોદીજી ક્યાંય નહીં જાય, જેના પર ખડગેએ કહ્યું કે 'મોદી કા બાપ ભી જાયેગા'. વાસ્તવમાં રાહુલ ગાંધી જ સુપર પ્રેસિડન્ટ છે અને ખડગે માત્ર નામ પૂરતા મુકાયા છે. કોંગ્રેસના સામાન્ય કાર્યકરો પણ સમજી ગયા છે કે વેકેશન મોડમાં રહેતા રાહુલ ગાંધી પક્ષને વિજય અપાવવા સક્ષમ નથી.'

કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે તીખો પ્રહાર કરતા કહ્યું કે, 'ખડગે સાહેબ, જ્યારે વ્યક્તિ પર સંકટનો સમય આવે છે ત્યારે પહેલા તેની બુદ્ધિ મરી જાય છે. હું વિચારતો હતો કે માત્ર રાહુલ જ મૂર્ખ છે, પણ તમને સાંભળ્યા પછી લાગે છે કે આ તો આખું મૂર્ખોનું જૂથ છે. મોદીજી અહીં જ છે, મોદીજી રહેશે અને મોદીજી હજુ 30 વર્ષ સુધી રહેશે. કોંગ્રેસ તો પહેલેથી સાફ થઈ ચૂકી છે. તમારે ગાંધી-નેહરુ પરિવારની ગુલામી કરવી હોય તો કરો, પરંતુ મોદીજીના પિતાનું અપમાન કરવા બદલ દેશની જનતા તમને સજા કરશે.'

જેડીયુના રાષ્ટ્રીય પ્રવક્તા રાજીવ રંજન પ્રસાદે કહ્યું કે, 'ચૂંટણીઓમાં સતત મળી રહેલી હારના કારણે કોંગ્રેસ નેતાઓની વિચારસરણી બગડી ગઈ છે. ખડગે જેવા વરિષ્ઠ નેતા આવા નીચલા સ્તરની અપશબ્દો ભરેલી ભાષા પર ઉતરી આવ્યા અને પીએમ મોદી તેમજ તેમના સ્વર્ગસ્થ પિતાને નિશાન બનાવ્યા, તે અત્યંત અયોગ્ય છે. આ ઉપરાંત ચૂંટણીઓ અંગે ખડગેની ટિપ્પણી જનતાના જનાદેશની મજાક સમાન છે.'

ઝારખંડ ભાજપ પ્રદેશ અધ્યક્ષ આદિત્ય સાહુએ કહ્યું કે, 'જ્યારથી નરેન્દ્ર મોદીજી વડાપ્રધાન બન્યા છે ત્યારથી એક ગરીબનો દીકરો વડાપ્રધાનના પદ પર બેઠો છે તે વાત કોંગ્રેસ સહન કરી શકતી નથી.'