પટનામાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. બાપુ સભાગૃહમાં આયોજિત એક કાર્યક્રમમાં તેમણે બંગાળ, બિહાર, મહારાષ્ટ્ર અને હરિયાણાની સરકારોને 'ચોરીની સરકારો' ગણાવી હતી. તેમણે કહ્યું કે આ સરકારો વોટ ચોરી કરનારી છે.
આ નિવેદન બાદ સભાગૃહમાં હંગામો સર્જાયો હતો. આ દરમિયાન એક વ્યક્તિએ 'મોદી ક્યારેય નહીં જાય' એમ કહ્યું. જેના પર ખડગે ગુસ્સે થઈને બોલ્યા, 'મોદીનો બાપ પણ જશે.' આ ટિપ્પણીથી રાજકીય ગરમાવો વધ્યો છે.
તેમણે વધુમાં કહ્યું કે દેશમાં મોંઘવારી ચરમસીમા પર છે. ડુંગળીના ભાવ આસમાને છે. ગરીબ માણસ દાળ-રોટલી ખાય છે, અને જો દાળ ન હોય તો ડુંગળી-રોટલી ખાય છે. તેમણે આરોપ લગાવ્યો કે મોદી સરકાર લોકોનું ગળું કાપી રહી છે. તેમણે એમ પણ કહ્યું કે સંસદ ચાલી રહી છે ત્યારે મોદી અને શાહ ડરને કારણે પાર્લામેન્ટની અંદર આવતા નથી. રાહુલ ગાંધી પોતાના કામ માટે બહાર ગયા છે અને પાછા આવશે ત્યારે તેમની યોગ્ય રીતે સરભરા થશે. તેમણે કહ્યું કે ભાજપના નેતાઓના સપનામાં પણ રાહુલ ગાંધી આવે છે.