સત્ય. સાહસ. સંકલ્પ.

ખડગેનો પીએમ મોદી પર પલટવાર: SRCC ભાષણને રાજકીય પ્રચાર ગણાવ્યો, યુવાનોના સવાલો ટાળવાનો આરોપ

ખડગેનો પીએમ મોદી પર પલટવાર: SRCC ભાષણને રાજકીય પ્રચાર ગણાવ્યો, યુવાનોના સવાલો ટાળવાનો આરોપ

નવી દિલ્હી: કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિલ્હીના શ્રીરામ કોલેજ ઓફ કોમર્સ (SRCC)માં વિદ્યાર્થીઓ સાથેના સંવાદને રાજકીય પ્રચાર ગણાવ્યો છે. ખડગેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને આરોપ લગાવ્યો કે વડાપ્રધાને યુવાનોના સવાલોનો સામનો કરવાને બદલે ભાષણને રાજકીય પ્રચારમાં ફેરવી નાખ્યું.

ખડગેએ લખ્યું, "મોદીજી ગઈકાલે દિલ્હી યુનિવર્સિટીના SRCCમાં ગયા હતા. આ દેશના યુવાનો, શિક્ષણ અને તેમના ભવિષ્ય પર સંવાદનો અવસર હતો. પરંતુ અફસોસ, યુવાનોના સવાલોનો સામનો કરવાને બદલે ભાષણ ફરી એક રાજકીય પ્રચારમાં ફેરવાઈ ગયું." તેમણે ઉમેર્યું, "ક્યારેક નારાજ ફુઆ તો ક્યારેક માનસિક અને અર્બન નક્સલ. વિશેષણ બદલાતા રહે છે, પણ મોદી સરકારની જનવિરોધી નીતિઓ બદલાતી નથી."

ખડગેએ વધુમાં કહ્યું, "વડાપ્રધાનજી, આઉટરીચ ત્યારે જ કરવી પડે છે, જ્યારે તમે આઉટ ઓફ રીચ થઈ જાઓ છો. વડાપ્રધાનજીએ પોતાનો રિપોર્ટ કાર્ડ બતાવ્યો. દેશનો યુવાન પણ પોતાનો રિપોર્ટ કાર્ડ લઈને ઊભો છે."

ઉલ્લેખનીય છે કે પીએમ મોદી શનિવારે SRCC કોલેજના 100મા સ્થાપના દિવસ સમારોહમાં હાજરી આપી હતી. ત્યાં તેમણે Gen-Z વિદ્યાર્થીઓ વચ્ચે 48 મિનિટનું ભાષણ આપ્યું હતું. ભાષણમાં તેમણે "માનસિક નક્સલ" અને "નારાજ ફુઆ" જેવા શબ્દો વાપર્યા હતા.

પીએમ મોદીએ કહ્યું હતું કે તેમણે 15 ઓગસ્ટના ભાષણમાં "માનસિક નક્સલ" કહીને હોમિયોપેથીની એવી ગોળી આપી છે જેનાથી વિરોધીઓ ગુસ્સે થઈ ગયા. તેમણે વિવેચકોને "નારાજ ફુઆ" ગણાવતા કહ્યું કે આ લોકો દરેક વાત પર 'આની શું જરૂર છે' કહે છે, પણ દેશની પ્રગતિના કામોમાં અવરોધ ઊભો કરે છે.

ખડગેના આ નિવેદન બાદ રાજકીય વર્તુળોમાં ચર્ચા ગરમાઈ છે. કોંગ્રેસ અધ્યક્ષે તાજેતરમાં બીજા મુદ્દાઓ પર પણ સરકાર પર નિશાન સાધ્યું છે.