આણંદ જિલ્લાના ખંભાતમાં મોડી રાત્રે પોલીસની ટીમ પર પથ્થરમારાની ઘટના બની છે. તડીપાર અને પાસા જેવા ગંભીર ગુનાઓમાં નાસતા-ફરતા રીઢા ગુનેગાર લાલો ચુનારાને પકડવા ગયેલી પોલીસ ટીમ પર સ્થાનિક ટોળાએ પથ્થરમારો કરી હુમલો કર્યો હતો. આ હુમલામાં 2 થી 3 પોલીસ જવાનોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે, અને હુમલાનો લાભ લઈને આરોપી ભાગી છૂટ્યો હતો.
ખંભાતમાં ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા અને લાંબા સમયથી ફરાર આરોપી લાલો ચુનારા પોતાની જગ્યા પર હોવાની ચોક્કસ બાતમી મળી હતી. તેના આધારે પોલીસની ટીમે તેને ઝડપી પાડ્યો હતો. જોકે, પોલીસે આરોપીની ધરપકડ કરી કે તરત જ તેને છોડાવવાના ઇરાદે સ્થાનિક લોકો એકઠા થઈ ગયા હતા અને પોલીસ પર બેફામ પથ્થરમારો શરૂ કરી દીધો હતો.
આ અચાનક થયેલા પથ્થરમારા દરમિયાન સર્જાયેલી અફરાતફરી અને તંગદિલીનો લાભ ઉઠાવીને રીઢો ગુનેગાર લાલો ચુનારા પોલીસ કસ્ટડીમાંથી ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો. બનાવ દરમિયાન હુમલામાં 2 થી 3 પોલીસ જવાનોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી.
ઘટનાની જાણ થતાં જ સ્થિતિ થાળે પાડવા માટે જિલ્લાની એલસીબી (LCB) અને એસઓજી (SOG) સહિતની ઉચ્ચ અધિકારીઓની ટુકડીઓ તાત્કાલિક ખંભાત દોડી આવી હતી.
આ ઘટના બાદ પોલીસે સમગ્ર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે ચુસ્ત બંદોબસ્ત ખડકી દીધો છે. સરકારી ફરજમાં રુકાવટ અને પોલીસ પર હુમલો કરવા અંગે ગુનો નોંધીને ફરાર આરોપી લાલો ચુનારા તથા પથ્થરમારો કરનાર અસામાજિક તત્વો સામે કડક કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.