આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના મેતપુર ગામમાં દિવાળીની રાત્રે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પિતાએ પોતાની 21 વર્ષીય પુત્રીનું દુપટ્ટાથી ગળું દબાવીને હત્યા કરી હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. મૃતક યુવતીનું નામ સાન્યા પટેલ છે અને આરોપી પિતાનું નામ કૌશલકુમાર રમણલાલ પટેલ છે.
પોલીસ તપાસમાં સામે આવેલી વિગતો મુજબ, સાન્યાને મેતપુર ગામના જ એક યુવક સાથે આશરે એક વર્ષથી પ્રેમસંબંધ હતો. આ સંબંધની જાણ તેના પિતાને થઈ હતી અને તેઓ વારંવાર પુત્રીને સમજાવીને સંબંધ તોડી નાખવા કહેતા હતા. સાન્યા પિતાની વાત માનતી નહોતી અને યુવક સાથે ફોન પર વાતચીત ચાલુ રાખતી હતી. આ બાબતે પિતાના મનમાં રોષ હતો.
ગત 8 નવેમ્બરે દિવાળીની રાત્રે પરિવારના સભ્યો એકસાથે બેસીને વાતચીત કરી રહ્યા હતા. મોડી રાત્રે અન્ય સભ્યો પોતપોતાના રૂમમાં સૂવા જતા રહ્યા. રાત્રે આશરે સવા ત્રણ વાગ્યાના અરસામાં પિતાએ રસોડામાં સાન્યા સાથે તેના પ્રેમસંબંધ બાબતે વાતચીત શરૂ કરી.
આ દરમિયાન આવેશમાં આવીને પિતાએ સાન્યાને કહ્યું હતું કે, 'હું તારું ગળું દબાવી દઉં તો શું થાય?' સાન્યાએ શરૂઆતમાં આ વાતને મજાક સમજીને જવાબ આપ્યો હતો. જોકે, ત્યારબાદ પિતાએ તેના જ દુપટ્ટાથી ગળું દબાવવાનું શરૂ કર્યું હતું. વધુ જોરથી ગળું દબાવતાં સાન્યા જમીન પર ઢળી પડી હતી અને તેના મોઢામાંથી લોહી નીકળ્યું હતું.
પુત્રીનું મોત થયા બાદ આરોપી પિતાએ આખી ઘટનાને આત્મહત્યા અથવા અકુદરતી મોત તરીકે રજૂ કરવાનો પ્રયાસ કર્યો હતો. પરિવારજનો અને સગાંસંબંધીઓને ગેરમાર્ગે દોર્યા બાદ સાન્યાના મૃતદેહને ખંભાત જનરલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જોકે, હોસ્પિટલના તબીબોને મૃત્યુની સ્થિતિ શંકાસ્પદ જણાતાં ફોરેન્સિક પેનલ દ્વારા પોસ્ટમોર્ટમ કરાવવાની ભલામણ કરવામાં આવી હતી.
ત્યારબાદ મૃતદેહને કરમસદની કૃષ્ણ હોસ્પિટલમાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સાન્યાનું મૃત્યુ 'Ligature Strangulation' એટલે કે ગળામાં દબાણ આવવાથી શ્વાસ રૂંધાવાના કારણે થયું હોવાનું સામે આવ્યું હતું. આ રિપોર્ટના આધારે પોલીસે ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી હતી.
પોલીસે તપાસ દરમિયાન કૌશલકુમાર પટેલની કડક પૂછપરછ કરતાં તેમણે પુત્રીની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. આ મામલે PSI રાજેશભાઈ ભીખાભાઈ વાઘેલાની સમક્ષ આરોપી પિતા વિરુદ્ધ BNSની કલમ 103(1) હેઠળ હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે.
PI પી.જે. બાંટવાના જણાવ્યા અનુસાર, મેતપુરના સહજાનંદ ફળિયામાં રહેતા આરોપી કૌશલકુમાર રમણલાલ પટેલની અટકાયત કરવામાં આવી છે. આરોપીને રિમાન્ડ મેળવવા માટે કોર્ટમાં રજૂ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. આ ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.