સત્ય. સાહસ. સંકલ્પ.

ખંભાળિયાના વોર્ડ 2માં પાણીની ગંભીર તંગી, રહીશોમાં રોષ

ખંભાળિયાના વોર્ડ 2માં પાણીની ગંભીર તંગી, રહીશોમાં રોષ

દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા શહેરમાં ચોમાસા દરમિયાન જ પાણીની ગંભીર સમસ્યા ઉભી થઈ છે. ખંભાળિયા નગરપાલિકાના વોર્ડ નંબર 2ના રહીશોને પૂરતું પાણી નથી મળી રહ્યું, જેના કારણે તેમની પરેશાની વધી ગઈ છે.

વરસાદ ન પડવાને કારણે આ વિસ્તારના બોરમાં પાણીનો ભરાવો થયો નથી, જેથી પાણીની તંગી વધુ વિકટ બની છે. અહીંની મહિલાઓનો દાવો છે કે પીવાનું અને ઘરગત્તુ વપરાશનું પાણી પણ નથી મળતું. રહીશો આરોપ લગાવે છે કે તેઓએ અનેકવાર નગરપાલિકા સમક્ષ ફરિયાદ કરી છે, પરંતુ સમસ્યાનો કોઈ ઉકેલ લાવવામાં આવ્યો નથી.

વોર્ડ નંબર 2માં પાઈપલાઈન નાખવામાં આવી છે, પરંતુ લોકોના ઘર સુધી પાણીનું એક ટીપું પણ પહોંચતું નથી. આથી રહીશોએ નગરપાલિકાના ચીફ ઓફિસરને આવેદનપત્ર આપીને તાત્કાલિક પાણી પુરવઠો શરૂ કરવાની માંગ કરી છે. જૂની પાણીની લાઈન વાપરીને સોસાયટીમાં પાણી પહોંચાડવાની તેમણે સૂચના આપી છે.

રહીશોએ ચેતવણી આપી છે કે જો એક અઠવાડિયામાં પાણીની વ્યવસ્થા નહીં થાય, તો તેઓ આંદોલન કરશે. આ અંગે નગરપાલિકાના ચીફ ઓફિસરે જણાવ્યું છે કે પ્રોજેક્ટને તાંત્રિક મંજૂરી મળી ગઈ છે અને ટૂંક સમયમાં ટેન્ડર પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. તેઓએ તાત્કાલિક ધોરણે પાણી ટેન્કર સહિતની વૈકલ્પિક વ્યવસ્થા કરવાની ખાતરી પણ આપી છે.