દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા પંથકમાં ફ્રી પાનકાર્ડ બનાવવાની લાલચ આપીને બે શખ્સોએ નવ લોકોના દસ્તાવેજો મેળવી લીધા હતા. આ દસ્તાવેજોના આધારે તેમના નામે ડમી બેંક ખાતા ખોલાવીને 36 લાખ રૂપિયાના નાણાકીય વ્યવહારો કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસની તપાસમાં જાણવા મળ્યું કે, ખંભાળિયા તાલુકાના ભરાણા ગામના એક વ્યક્તિ સહિત આઠ અન્ય લોકોના ઇન્કમટેક્સ રિટર્ન ભરવા માટે ફાઇલ તૈયાર કરવામાં આવી હતી. આ દરમિયાન તેમને જાણ થઈ કે રાજકોટની એક બેંકની શાખામાં તેમના નામે બેંક ખાતા ખોલવામાં આવ્યા છે, જેની તેમને કોઈ જાણકારી નહોતી.
વધુ તપાસમાં સ્પષ્ટ થયું કે અન્ય કોઈ વ્યક્તિએ ગેરકાયદે વ્યવહાર કરવા માટે ખોટા દસ્તાવેજી પુરાવા અને ખોટી સહીઓ કરીને આ બેંક ખાતા ખોલાવ્યા હતા. ભરાણા ગામના લોકોએ આ મામલે દેવભૂમિ દ્વારકા જિલ્લા સાયબર ક્રાઇમ વિભાગમાં અરજી કરી હતી.
સાયબર ક્રાઇમ પોલીસે BNS અને IT એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને ફરિયાદ અને જરૂરી દસ્તાવેજોના આધારે તપાસ શરૂ કરી હતી. ટેકનિકલ અને હ્યુમન સોર્સના આધારે પોલીસે આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી, જેમાં ખોટા બેંક ખાતા બનાવીને 36 લાખ રૂપિયાના વ્યવહારો કરવાનો ગુનો સામે આવ્યો હતો.
આ કેસમાં પોલીસે ખંભાળિયાના ભરાણા ગામના રહેવાસી અશોકપરી દયાલપરી ગોસ્વામી અને જૂનાગઢના કેશોદ ગામના રહેવાસી ચેતનભારથી કેશુરભારથી ગોસાઈની ધરપકડ કરી છે. બંને આરોપીઓને પાંચ દિવસના પોલીસ રિમાન્ડમાં લેવામાં આવ્યા છે.