સત્ય. સાહસ. સંકલ્પ.

ખંભાળિયામાં ઘાસચારાની કટોકટી: કલાકો રાહ જોયા બાદ પણ ખેડૂતો ખાલી હાથ પરત

ખંભાળિયામાં ઘાસચારાની કટોકટી: કલાકો રાહ જોયા બાદ પણ ખેડૂતો ખાલી હાથ પરત

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકામાં ચોમાસું ખેંચાતા પશુપાલકો માટે ઘાસચારાની સમસ્યા વિકટ બની છે. આજે 70થી વધુ ગામોના પશુપાલકો ઘાસ ડેપો પર ઘાસચારો મેળવવા પહોંચ્યા હતા, પરંતુ કલાકો સુધી કતારમાં ઉભા રહ્યા બાદ પણ તેમને ઘાસ મળ્યું ન હતું.

પશુપાલકોએ જણાવ્યું કે, નોંમના દિવસે ઘાસચારો આપવાનું વચન આપવામાં આવ્યું હતું. આથી તેઓ પોતાના કામકાજ છોડીને 100થી 150 રૂપિયાનું પેટ્રોલ ખર્ચીને અહીં આવ્યા હતા. પરંતુ લાંબી રાહ જોયા બાદ પણ ઘાસ ન મળતા તેમનામાં રોષ અને નારાજગી જોવા મળી હતી.

ખેડૂતોનો આરોપ છે કે, પૂરતો જથ્થો ઉપલબ્ધ ન હોવા છતાં તેમને બોલાવવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટનાની જાણ થતા ખેડૂત નેતા પાલ આંબલિયા ઘાસ કેન્દ્ર પર પહોંચ્યા હતા. તેમણે તંત્રને ફોન કરી પરિસ્થિતિની માહિતી મેળવી હતી.

પાલ આંબલિયાએ જણાવ્યું કે, ખેડૂતો કલાકોથી રસ્તામાં કતારમાં ઉભા છે. ઘાસ ડેપોવાળાએ તેમના માટે છાંયડામાં બેસવાની વ્યવસ્થા કરવી જોઈએ. તેમણે છેવાડાના વિસ્તારોમાં ખાલી પડેલી જગ્યામાં વધુ ઘાસ ડેપો શરૂ કરવાની માંગ પણ કરી હતી.

હાલ પશુપાલકોની હાલાકીને ધ્યાને રાખીને વહીવટી તંત્ર દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે. ગ્રામ્ય વિસ્તારોમાં ટૂંક સમયમાં વધુ ઘાસ ડેપો શરૂ કરવાની ખાતરી આપવામાં આવી છે.