અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાની કૃષિ ઉત્પન્ન બજાર સમિતિ (APMC)ની ચૂંટણીના પરિણામો જાહેર થયા છે. આ ચૂંટણીમાં ભાજપે 8 બેઠકો પર વિજય મેળવ્યો છે, જ્યારે આમ આદમી પાર્ટી (AAP)ને 1 બેઠક મળી છે.
આ ચૂંટણીનું એક મહત્વનું પરિણામ એ રહ્યું કે ખાંભા તાલુકા ભાજપ પ્રમુખ આનંદ ભટ્ટને પરાજયનો સામનો કરવો પડ્યો છે.
એક બેઠક પર મતગણતરી દરમિયાન ટાઈ પડતાં ચિઠ્ઠી ઉછાળીને વિજેતાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ બેઠક પર ભાજપના બળવાખોર ઉમેદવારનો વિજય થયો હતો.
અગાઉ, વેપારી વિભાગની ચાર બેઠકો ભાજપ પ્રેરિત પેનલને બિનહરીફ મળી હતી, જ્યારે ખેડૂત વિભાગની બેઠકો માટે સખત રસાકસી જોવા મળી હતી. આ ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને બળવાખોર ઉમેદવારો વચ્ચે ત્રિપાંખિયો મુકાબલો હતો.
આ પરિણામો સાથે APMC પર ભાજપે તેનો દબદબો જાળવી રાખ્યો છે. વિજેતા ઉમેદવારોમાં સખવાળા ભરતભાઈ ભાદાભાઈ, હમલ બાબુભાઈ વાછુરભાઈ, તંતી રમેશભાઈ હરિભાઈ, રૈયાણી વિનુભાઈ રવજીભાઈ, વાઘોશી મેરામભાઈ કાળુભાઈ, ખુમાર શાંતિલાલ બાબુભાઈ, ગજેરા લાભુભાઈ વાલજીભાઈ, દુધાત ભરતભાઈ ધીરુભાઈ અને સંજલીયા અશ્વિનભાઈ પ્રેમજીભાઈનો સમાવેશ થાય છે.
ઇનપુટ ક્રેડિટ: જયદેવ કાઠી, અમરેલી