થરાદ તાલુકાના સુઈગામ ગામના દિવંગત કોમેડી કન્ટેન્ટ ક્રિએટર ગુજ્જુ લવગુરુ ઉર્ફે સ્વ. ચંદન રાઠોડના પરિવાર માટે પાકું મકાન બનાવી આપવાનું વચન લોકસેવક નીતિન જાની ઉર્ફે ખજૂરભાઈએ પૂરું કરવાની દિશામાં કામગીરી શરૂ કરાવી છે.
પરિવાર માટે નવા મકાનના નિર્માણકાર્યનો પ્રારંભ થયો છે. મીડિયા સાથેની વાતચીતમાં ખજૂરભાઈએ જણાવ્યું કે બનાસકાંઠાએ મને ખૂબ પ્રેમ આપ્યો છે. માત્ર ગુજ્જુ લવગુરુનું જ નહીં, બનાસકાંઠામાં જે પણ નિરાધાર છે એ તમામનું મકાન પોતે બનાવશે. તેમણે ચાર વર્ષ પહેલા વછોડા ગામમાં શંકરભાઈનું ઘર 55 ડિગ્રી તાપમાનમાં બનાવ્યું હતું તેનો પણ ઉલ્લેખ કર્યો હતો. આ સાથે જ તેઓ યુવાનોને 2000 હેલમેટનું વિતરણ કરશે એ આયોજન અંગે પણ વાત કરી હતી.
ખજૂરભાઈએ અગાઉ આપેલા વચન મુજબ સ્વ. ચંદન રાઠોડના પરિવાર માટે ત્રણ રૂમ અને રસોડા સાથેનું મકાન બનાવવાની યોજના હાથ ધરવામાં આવી છે. પરિવારને પાકું અને સુવિધાસભર આશ્રયસ્થાન મળી રહે તે હેતુથી નિર્માણકાર્ય શરૂ કરવામાં આવ્યું છે. આ પહેલથી મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહેલા પરિવારને સુરક્ષિત છત મળવાની આશા જાગી છે.
મકાનના નિર્માણકાર્યમાં સહયોગ આપવા માટે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાથી લોકો સુઈગામ પહોંચ્યા હતા. ધ્રાંગધ્રાના એક શોરૂમના સ્ટાફે શ્રમદાનમાં જોડાઈને પોતાની લાગણી વ્યક્ત કરી હતી. આ ઉપરાંત રાજસીતાપુરની ફેક્ટરી અને ફર્નિચર શોરૂમના કર્મચારીઓ પણ સેવાકાર્યમાં સહભાગી બનવા માટે પહોંચ્યા હતા. અલગ-અલગ વિસ્તારોમાંથી લોકો સ્વયંપ્રેરિત રીતે જોડાઈ રહ્યા હોવાથી આ પહેલને વ્યાપક સહયોગ મળી રહ્યો છે.
ગુજ્જુ લવગુરુના અવસાન બાદ તેમના પરિવારને મુશ્કેલીના સમયમાં મદદ મળી રહે તે માટે ખજૂરભાઈ આગળ આવ્યા હતા. વાહતાભાઈ સાથે મળીને પરિવારને આર્થિક સહાય અપાવવામાં પણ તેમણે મહત્ત્વનો ફાળો આપ્યો હતો. હવે પરિવારને કાયમી આશ્રય મળી રહે તે માટે મકાન બનાવવાની કામગીરી શરૂ કરાવીને તેમણે અગાઉ આપેલું વચન સાકાર કરવાની દિશામાં પગલું ભર્યું છે.
ખજૂરભાઈએ આ સેવાકાર્યમાં અન્ય યુટ્યુબર્સ, કન્ટેન્ટ ક્રિએટર્સ અને સામાન્ય લોકોને પણ જોડાવા અપીલ કરી હતી. તેમના આહ્વાનને પગલે વિવિધ વિસ્તારોમાંથી લોકો સુઈગામ પહોંચી રહ્યા છે અને પોતાની ક્ષમતા મુજબ યોગદાન આપી રહ્યા છે. આ પહેલમાં લોકોની ભાગીદારીથી સામાજિક એકતા અને પરસ્પર સહયોગની ભાવના જોવા મળી રહી છે.
સ્વ. ચંદન રાઠોડના પરિવાર માટે શરૂ થયેલું મકાન નિર્માણકાર્ય માત્ર એક ઘર બનાવવાની પહેલ નથી, પરંતુ મુશ્કેલીના સમયમાં એક પરિવારની પડખે ઊભા રહેવાની માનવતાભરી ભાવનાનું પ્રતીક પણ છે. ધ્રાંગધ્રા અને રાજસીતાપુર સહિતના વિસ્તારોમાંથી લોકોનું સુઈગામ પહોંચવું એ ગુજ્જુ લવગુરુ પ્રત્યેના પ્રેમ અને લાગણીને દર્શાવે છે. વિવિધ ક્ષેત્રના લોકોના સહયોગથી પરિવારને નવું ઘર મળે તે દિશામાં કામગીરી આગળ વધી રહી છે.