અમદાવાદ સિટી સેશન્સ કોર્ટે આણંદના પૂર્વ અધિક કલેક્ટર કેતકી વ્યાસની જામીન અરજી નામંજૂર કરી છે. તેમના પર રૂ. 3.68 કરોડથી વધુની અપ્રમાણસર મિલકત (DA) રાખવાનો આરોપ છે. આ કેસ લાંચ રુશ્વત વિરોધી બ્યુરો (ACB)એ નોંધ્યો છે.
કોર્ટે જામીન આપવાનો ઇનકાર કરતી વખતે ગુનાની ગંભીરતા અને દસ્તાવેજી પુરાવાને ધ્યાનમાં લીધા હતા. ACBએ કોર્ટમાં 4,133 પાનાનું ચાર્જશીટ દાખલ કર્યા બાદ કેતકી વ્યાસે નિયમિત જામીન માટે અરજી કરી હતી. કોર્ટે 26 ઓક્ટોબર 2026ના રોજ આ અરજી ફગાવી દીધી હતી. તેઓ હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે.
ACBના જણાવ્યા અનુસાર, સરકારી અધિકારીઓ સામેની વિશેષ ઝુંબેશ હેઠળ અમદાવાદ શહેર ACB પોલીસ સ્ટેશનમાં 22 જૂન 2026ના રોજ ગુનો નોંધાયો હતો. તપાસમાં સામે આવ્યું કે કેતકી વ્યાસે પોતાના અને સગા-સ્નેહીઓના નામે રૂ. 3.68 કરોડની સ્થાવર અને જંગમ મિલકતો મેળવી હતી. આ રકમ તેમની કાયદેસરની આવક કરતાં 71.23 ટકા વધુ હોવાનું ACBએ જણાવ્યું છે.
ગુનો નોંધાયા બાદ કેતકી વ્યાસ ફરાર હતા. તેમની આગોતરા જામીન અરજી સિટી સેશન્સ કોર્ટે 7 જુલાઈ 2026ના રોજ ફગાવી હતી. ત્યારબાદ ગુજરાત હાઇકોર્ટે 4 ઓગસ્ટ 2026ના રોજ આ અરજી નામંજૂર કરી હતી. ACBએ 12 ઓગસ્ટ 2026ના રોજ તેમની ધરપકડ કરી હતી. તપાસ અધિકારીએ 3 ઓક્ટોબર 2026ના રોજ સિટી સેશન્સ કોર્ટ (ભદ્ર) ખાતે ચાર્જશીટ રજૂ કર્યું હતું.