કેરળની પાસપોર્ટ ઓફિસમાં રિન્યુઅલ માટે એક શખ્સનો પાસપોર્ટ આવ્યો ત્યારે અધિકારીઓ પણ ચોંકી ગયા. કારણ સામાન્ય નહોતું — પાસપોર્ટના કોરા પાનાંઓ પર વિઝા કે ટ્રાવેલ સ્ટેમ્પને બદલે સરવાળા-બાદબાકી અને ઓળખીતા લોકોના મોબાઈલ નંબર લખેલા હતા.
સોશિયલ મીડિયા પર શેર થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ પાસપોર્ટના પાનાં ફેરવી રહી છે. શરૂઆતનાં સત્તાવાર પાનાં પછીના લગભગ દરેક પાના પર કંઈકને કંઈ લખાણ છે. આ લખાણ કોઈ દેશના ઇમિગ્રેશન કે ટ્રાવેલ સ્ટેમ્પનું નથી, પરંતુ ફોન ડાયરી અને રફ બુક જેવું છે.
વીડિયોમાં દેખાય છે કે તે વ્યક્તિએ પોતાના ઓળખીતાઓના મોબાઈલ નંબર પાસપોર્ટમાં લખી રાખ્યા છે. આગળના પાનાંઓ પર હિસાબ-કિતાબ અને સરવાળા-બાદબાકી પણ કરેલા છે — જેમ સામાન્ય રીતે લોકો વેપારનો હિસાબ રાખવા કે બાળકો ગણિતના દાખલા ગણવા રફ બુકમાં કરતા હોય છે.
પાસપોર્ટ એ સંવેદનશીલ ઓળખપત્ર છે અને તેને સાચવીને રાખવો જરૂરી હોય છે. આ શખ્સ પાસે પાસપોર્ટ હતો, પરંતુ તે ક્યારેય વિદેશ ગયો નહોતો. તેથી તેણે કોરા પાનાંઓનો ઉપયોગ સ્ટેશનરીની જેમ કરી નાખ્યો.
વીડિયોમાં પાસપોર્ટના પાનાં ફેરવતી વખતે મલયાલમમાં વાતચીત સંભળાય છે. વીડિયો જોઈને ઘણા લોકો હસી પડ્યા છે, તો કેટલાક યુઝર્સે સોશિયલ મીડિયા પર આવા દસ્તાવેજનો વીડિયો શેર કરવાને ખોટું ગણાવ્યું છે. એક યુઝરે લખ્યું, “આ ભાઈએ જૂના જમાનાના લોકોની જેમ પાસપોર્ટને પોકેટ ડાયરી બનાવી દીધો.” અન્ય એકે રમૂજમાં સલાહ આપી, “આ વખતે રિન્યુ કરતી વખતે એમને આખો 100 પાનાનો પાસપોર્ટ આપવો જોઈએ જેથી હિસાબ લખવામાં જગ્યા ઓછી ન પડે!”