સત્ય. સાહસ. સંકલ્પ.

કેરળ પેટાચૂંટણીમાં UDFને ઝાટકો, LDFને 3 બેઠકનો ફાયદો

કેરળ પેટાચૂંટણીમાં UDFને ઝાટકો, LDFને 3 બેઠકનો ફાયદો

કેરળના 12 જિલ્લાના 38 સ્થાનિક સ્વરાજ્ય વોર્ડમાં યોજાયેલી પેટાચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે. સત્તામાં આવ્યા બાદ કોંગ્રેસની આગેવાની હેઠળના યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (UDF) માટે આ પહેલો મોટો ટેસ્ટ હતો, જેમાં તેને ઝાટકો લાગ્યો છે.

અંતિમ પરિણામ મુજબ, UDFએ 19 બેઠકો જીતી છે, જ્યારે CPI-Mની આગેવાની હેઠળના LDFના ખાતામાં 18 બેઠકો આવી છે. ભાજપના નેતૃત્વ હેઠળના NDAએ 1 બેઠક જીતી છે. આ બેઠક NDAના સાથી પક્ષ 'ટ્વેન્ટી-20' (Twenty 20)એ જીતી છે. અગાઉ આ 38 બેઠકોમાંથી UDF પાસે 22, LDF પાસે 15 અને NDA પાસે 1 બેઠક હતી. આમ, પેટાચૂંટણીમાં LDFને 3 બેઠકોનો સીધો ફાયદો થયો છે, જ્યારે સત્તાધારી UDFને 3 બેઠકોનું નુકસાન વેઠવું પડ્યું છે.

UDFએ પોતાના કબજાવાળી કેટલીક મહત્ત્વની બેઠકો ગુમાવી છે. જેમાં ચિરાયિનકીઝૂ વિધાનસભા વિસ્તારની 2 બેઠકો પણ સામેલ છે. પથાનમથિટ્ટા જિલ્લામાં UDFએ તમામ વોર્ડ જીત્યા હતા, પરંતુ કોંગ્રેસના પરંપરાગત ગઢ ગણાતા એર્નાકુલમ જિલ્લામાં પક્ષ 4માંથી માત્ર 2 બેઠકો જ જીતી શક્યો છે. કોટ્ટાયમ જિલ્લામાં UDFએ 3માંથી 2 બેઠકો જીતી છે. બીજી તરફ પલક્કડ જિલ્લામાં LDFનો દબદબો જોવા મળ્યો છે, જ્યાં તેણે 7માંથી 4 બેઠકો જીતી છે.

વાયનાડ જિલ્લાના મનંથાવડી વિસ્તારના પલ્લીકલ ડિવિઝન અને કોઝિકોડ જિલ્લાના કુટ્ટીચિરા વોર્ડમાં UDFના ઉમેદવારો વિજયી બન્યા છે, પરંતુ તેમની જીતનું માર્જિન ઘણું ઘટી ગયું છે. અગાઉ જ્યાં આ બેઠકો પર 1000થી વધુ મતોની સરસાઈ મળતી હતી, ત્યાં આ વખતે માત્ર અમુક સો મતોના અંતરથી જ જીત મળી છે. રાજ્યમાં સત્તા પરિવર્તન પછી સરકારી હોસ્પિટલોમાં દવાની અછત સહિતના પ્રશ્નોને લઈને વિપક્ષ સતત આક્રમક રહ્યો છે, જેની અસર પરિણામોમાં જોવા મળી છે.

આ પેટાચૂંટણી રાજ્યના કોલ્લમ અને અલાપ્પુઝા સિવાયના 12 જિલ્લાઓમાં યોજાઈ હતી, જેમાં કુલ 126 ઉમેદવારો મેદાનમાં હતા. સમગ્ર ચૂંટણીમાં કુલ 58.81 ટકા મતદાન નોંધાયું હતું. જિલ્લાવાર સ્થિતિ જોઈએ તો કન્નૂરમાં સૌથી વધુ 84.55 ટકા અને કોટ્ટાયમમાં સૌથી ઓછું 54.24 ટકા મતદાન થયું હતું. કુલ 1,82,160 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો, જેમાં 84,070 પુરૂષો અને 98,090 મહિલાઓ સામેલ હતી.