કેરળના એર્નાકુલમ જિલ્લામાં એક ગંભીર અકસ્માત બન્યો છે. 17 વર્ષના એક સગીર છોકરાએ પિતાની મર્સિડીઝ કાર ચલાવીને 55 વર્ષીય બાઇકચાલક જયા બાલકૃષ્ણનને ટક્કર મારી હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે તેમનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું હતું. સગીર છોકરો એક જજનો પુત્ર હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
પોલીસ મુજબ, આ ઘટના 24 ઓક્ટોબરના રોજ બપોરે લગભગ 2:20 વાગ્યે બની હતી. સગીર છોકરો પોતાના પિતાને પૂછ્યા વગર જ તેમની મર્સિડીઝ કાર લઈને નીકળ્યો હતો. તે વલ્લારપદમથી કાલામાસેરી તરફ જઈ રહ્યો હતો ત્યારે ચેરાનલ્લૂરના કન્ટેનર રોડ પર મારાપરમ્બુ નજીક આ અકસ્માત થયો હતો.
મૃતક જયા બાલકૃષ્ણન પોતાની દુકાનેથી ઘરે પરત ફરી રહ્યા હતા. ટક્કર એટલી ભયાનક હતી કે તેઓ હવામાં ફંગોળાઈ ગયા હતા. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને મામલે તપાસ શરૂ કરી છે.
ઘટનાના સમયે નજીકમાં આવેલા ફોર્ડ શોરૂમના સીસીટીવી કેમેરામાં આ આખી ઘટના કેદ થઈ ગઈ છે. ફૂટેજમાં કારની ઝડપ અને ટક્કરની ગંભીરતા સ્પષ્ટ દેખાય છે. પોલીસે સગીર વિરુદ્ધ બેદરકારીથી વાહન ચલાવવા અને બિન-ઈરાદાપૂર્વક મનુષ્યવધ જેવી કલમો હેઠળ ગુનો નોંધી તેને કસ્ટડીમાં લીધો છે.
બીજી તરફ, મૃતકના પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે આરોપીના પિતા જજ હોવાથી તેઓ પોતાના પુત્રને બચાવવા માટે કેસમાં દખલગીરી કરી રહ્યા છે અને દબાણ લાવી રહ્યા છે. પરિવારે જણાવ્યું કે સગીર પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ પણ નહોતું, તેથી તેને કાર ચલાવવા દેવા બદલ તેના પિતા સામે પણ કાર્યવાહી થવી જોઈએ. પીડિત પરિવારે આરોપી સગીરનો તાત્કાલિક મેડિકલ ટેસ્ટ કરાવવાની માંગ પણ કરી છે.