કેરળ હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ આદેશમાં પોલીસને એક એડિશનલ ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ જજ વિરુદ્ધ ગુનો નોંધવાની મંજૂરી આપી છે. આરોપ છે કે જજના 17 વર્ષીય સગીર પુત્રએ મર્સિડીઝ કાર ચલાવી હતી અને તેની ટક્કરથી 55 વર્ષીય વ્યક્તિનું મોત થયું હતું. આ અકસ્માત ચેરાનેલ્લુર વિસ્તાર નજીક એક દિવસ પહેલાં સર્જાયો હતો.
પોલીસે હાઈકોર્ટ સમક્ષ જજ વિરુદ્ધ કેસ નોંધવાની મંજૂરી માંગી હતી, જેના પગલે કોર્ટે આ આદેશ આપ્યો છે. અકસ્માતમાં મૃત્યુ પામેલા જયબાલકૃષ્ણન (55) ના પરિવારજનોએ ચેરાનેલ્લુર પોલીસ સ્ટેશન બહાર ધરણાં-પ્રદર્શન કર્યા હતા. જજના સગીર પુત્રને રવિવારે જામીન મળી ગયા હતા અને તે મુક્ત થઈ ગયો હતો. પરંતુ પીડિત પરિવારના વિરોધ પ્રદર્શન બાદ પોલીસે તેને ફરીથી કસ્ટડીમાં લીધો છે.
પોલીસના જણાવ્યા અનુસાર, એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજના નામે નોંધાયેલી મર્સિડીઝ કારને તેમનો સગીર પુત્ર અતિશય પૂરપાટ ઝડપે હંકારી રહ્યો હતો. આરોપ છે કે આ બેફામ દોડતી કારે જયબાલકૃષ્ણનની સ્કૂટીને પાછળથી જોરદાર ટક્કર મારી દીધી હતી, જેના પરિણામે તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
અકસ્માત બાદ પોલીસે શરૂઆતમાં સગીર આરોપી સામે બેદરકારીપૂર્વક વાહન ચલાવવા અને મોતનું કારણ બનવા (કલમ 106) સંબંધિત હળવો કેસ નોંધ્યો હતો, જેના કારણે તેને કિશોર ન્યાય કાયદા (જ્યુવેનાઇલ જસ્ટિસ એક્ટ) હેઠળ તાત્કાલિક જામીન મળી ગયા હતા અને તે છૂટી ગયો હતો.
પોલીસની આ ઢીલી કામગીરીથી રોષે ભરાયેલી મૃતક જયબાલકૃષ્ણનની પુત્રીએ સોમવારે સવારે મીડિયા સમક્ષ કહ્યું હતું કે આરોપી જજનો પુત્ર હોવાથી પોલીસે તેની સાથે નરમાઈભર્યું વલણ દાખવ્યું છે. તેણીએ સંકલ્પ વ્યક્ત કર્યો કે તે પોતાના પિતાને ન્યાય અપાવવા માટે છેલ્લા શ્વાસ સુધી કાનૂની લડત લડશે અને જજ કે તેમના સગીર પુત્રને આ ગંભીર ગુનાની જવાબદારીમાંથી બચવા નહીં દે.
તેણીએ વધુમાં ઉમેર્યું હતું કે તેમને સ્થાનિક પોલીસ પર કોઈ ભરોસો રહ્યો નથી, કારણ કે ન્યાયાધીશનો પરિવાર હોવાથી પોલીસે આરોપી સામે કડક પગલાં લેવાને બદલે તેને છાવરવાનો પ્રયાસ કર્યો હતો.