કેરળના આલપ્પુઝા જિલ્લામાં રહેતી 85 વર્ષીય ઇન્દિરા અમ્મા છેલ્લા 10 વર્ષથી નાના બાળકોને અભ્યાસ કરાવે છે. તેમની ખાસ વાત એ છે કે તેઓ બાળકોને શીખવવા માટે પેન, નોટબુક કે બ્લેકબોર્ડનો ઉપયોગ કરતા નથી. તેમની પાસે એક નાની લાકડી અને રેતી હોય છે, જેના પર તેઓ અક્ષરો લખીને બાળકોને શીખવાડે છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં ઇન્દિરા અમ્મા પારંપરિક સફેદ સાડી પહેરીને ઘરમાં બાળકો સાથે બેઠેલા જોવા મળે છે. તેમની સામે ચટાઈ પર નાના બાળકો ધ્યાનથી તેમની વાત સાંભળે છે. અમ્મા એક ડોલમાં રેતી લાવીને બાળકો સામે મૂકે છે અને પછી નાની લાકડીની મદદથી રેતી પર અંગ્રેજી અને મલયાલમના અક્ષરો લખે છે. બાળકો પણ તે જ અક્ષરોને રેતીમાં આંગળીઓથી લખવાનો પ્રયાસ કરે છે. જો કોઈ અક્ષર ખોટો લખાય તો તેને ભૂંસીને ફરીથી લખી શકાય છે. આ રીતે ભૂલ કરવાનો ડર રહેતો નથી અને શીખવાની પ્રક્રિયા સરળ અને મનોરંજક બને છે.
આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર @mom_of_safaachiii નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે. વીડિયો સામે અનેક લોકોએ ઇન્દિરા અમ્માની સાદગી, ધીરજ અને બાળકો પ્રત્યેના પ્રેમની પ્રશંસા કરી છે. ઘણા લોકો કહે છે કે બાળકોને શીખવવા માટે મોંઘા સાધનોની જરૂર હોતી નથી, યોગ્ય માનસિકતા અને જુસ્સો હોય તો સાદી વસ્તુઓ પણ અસરકારક બની શકે છે.