કેન્યાની મોમબાસા હાઈકોર્ટે ધાર્મિક આડંબર અને અંધશ્રદ્ધાના નામે 190થી વધુ બાળકો સહિત લોકોને ભૂખ્યા રાખીને મોતને ઘાટ ઉતારનાર પાદરી પૌલ મેકેન્ઝીને 200 વર્ષની કેદની સજા ફટકારી છે. જજ ડાયના કાવેદઝાએ આ ઐતિહાસિક ચુકાદો આપતાં કહ્યું કે મૃત્યુ પછી ઈસુ સાથે મુલાકાત થાય છે તેવા ભ્રમને રોકવા માટે આ કડક સજા જરૂરી છે.
કેન્યાના ગૂડ ન્યૂઝ ઈન્ટરનેશનલ ચર્ચના સ્થાપક પૌલ મેકેન્ઝી અને તેના 25 સાથીદારોએ લોકોમાં એવો ભ્રમ ફેલાવ્યો હતો કે ઓગસ્ટ 2023 પહેલાં વિશ્વનો અંત આવી જશે અને સ્વર્ગમાં જવા માટે ઉપવાસ કરવા પડશે. તેમણે લોકોને ભોળવ્યા હતા કે ભૂખ્યા રહીને ઉપવાસ કરશે તો તેમને ઈસુ ખ્રિસ્તના દર્શન થશે.
આ પાખંડના ભાગરૂપે પહેલાં બાળકોને લાંબા ઉપવાસ કરાવવામાં આવ્યા અને તેમને મૃત્યુ સુધી ભૂખ્યા રાખવામાં આવ્યા. બાળકોના મૃત્યુ બાદ યુવાનો અને મહિલાઓને પણ આ જ રીતે મોત તરફ ધકેલી દેવામાં આવ્યા. આ ઘટનામાં ભોગ બનનાર 161 પીડિતોની ઉંમર આશરે 9 વર્ષની હતી, જ્યારે 22 બાળકોની ઉંમર 10થી 13 વર્ષ અને પાંચની ઉંમર 14થી 16 વર્ષની વચ્ચે હતી. અનેક બાળકો હજુ પણ ગુમ હોવાના અહેવાલો સામે આવ્યા છે.
કોર્ટે પાદરી પૌલ મેકેન્ઝી અને તેના સાથીદારોને હત્યા અને માનવવધ સહિતના ગંભીર ગુનાઓમાં દોષિત ઠેરવીને 200 વર્ષની લાંબી જેલની સજા ફટકારી છે. આ ચુકાદો ધાર્મિક અંધશ્રદ્ધા અને શોષણ સામેની મહત્ત્વની કાર્યવાહી તરીકે જોવામાં આવી રહ્યો છે.