સત્ય. સાહસ. સંકલ્પ.

કેલીકુંજ આશ્રમ વિવાદમાં લોરેન્સ બિશ્નોઈનું નામ, દેવી ઇન્દુલેખા પર મારપીટનો આરોપ

કેલીકુંજ આશ્રમ વિવાદમાં લોરેન્સ બિશ્નોઈનું નામ, દેવી ઇન્દુલેખા પર મારપીટનો આરોપ

ઉત્તર પ્રદેશના મથુરા જિલ્લાના વૃંદાવનમાં આવેલા શ્રી હિત રાધા કેલીકુંજ આશ્રમને લઈને વિવાદ વધુ ગંભીર બન્યો છે. કથાવાચક દેવી ઇન્દુલેખાએ આશ્રમના સેવાદારો પર પોતાની સાથે મારપીટ કરવાનો અને લોરેન્સ બિશ્નોઈના નામે ધમકી આપવાનો આરોપ લગાવ્યો છે. તેમણે જણાવ્યું કે આશ્રમના સેવાદારો અને કેટલાક અજાણ્યા લોકોએ તેમનું જીવન જોખમમાં મૂક્યું છે. આ ઘટનાનો વિડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી ફેલાઈ રહ્યો છે.

દેવી ઇન્દુલેખાના કહેવા મુજબ, ત્યાં હાજર કેટલાક લોકોએ તેમનો હાથ પકડીને ખેંચ્યો અને સ્થળ પરથી ભગાડવાનો પ્રયાસ કર્યો. આ ઉપરાંત, ઘટનાનું કવરેજ કરી રહેલા કેટલાક પત્રકારો સાથે પણ આશ્રમના સેવાદારોએ અભદ્રતાપૂર્વક વર્તન કર્યું હોવાની માહિતી સામે આવી છે. આ બનાવને પગલે આશ્રમની કાર્યપદ્ધતિ અને ત્યાંની વ્યવસ્થાપન અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે.

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા પ્રેમાનંદ મહારાજના એક શિષ્યના મોત બાદ ઘણા પરિવારો પોતાના બાળકોને શોધતા કેલીકુંજ આશ્રમ પહોંચ્યા હતા. ગઈકાલે આ પીડિત પરિવારોને મળવા માટે દેવી ઇન્દુલેખા પણ આશ્રમ પહોંચ્યા હતા, ત્યારે જ આ ઘટના સામે આવી. હાથરસના રહેવાસી અનુજ ચૌધરીના પરિવારજનોએ આશ્રમની બહાર ધરણા આપ્યા બાદ પોલીસે અનુજ ચૌધરીને શોધીને હાથરસ પોલીસને સોંપ્યો હતો. જોકે, આ મામલે કેલીકુંજ આશ્રમ તરફથી હજુ સુધી કોઈ નિવેદન આવ્યું નથી.

વૃંદાવન પહોંચેલા નોઇડાના એક વ્યક્તિએ દાવો કર્યો છે કે તેમની પુત્રી 15 ઓગસ્ટે ઘરથી એમ કહીને નીકળી હતી કે તે પ્રેમાનંદ મહારાજના આશ્રમે જઈ રહી છે, પરંતુ ત્યારપછી તે ઘરે પાછી ફરી નથી. પુત્રીની શોધમાં પિતા પરિવારજનો સાથે વૃંદાવન પહોંચ્યા અને આશ્રમની બહાર માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો. પિતાનું કહેવું છે કે તેમણે પુત્રીને આશ્રમમાં જોઈ નથી, પરંતુ તેમને આશંકા છે કે પ્રેમાનંદ મહારાજની મોટી ભક્ત તેમની પુત્રી આશ્રમમાં હોઈ શકે છે.

આ સમગ્ર ઘટનાક્રમને લઈને વ્રજવાસીઓમાં ચર્ચા વધી છે કે આખરે કેલીકુંજ આશ્રમમાં શું ચાલી રહ્યું છે, જેને ઢાંકવા માટે સેવાદારો પીડિત પરિવારો અને મીડિયાકર્મીઓ સાથે આ રીતે ધક્કામુક્કી પર ઉતરી રહ્યા છે.