સત્ય. સાહસ. સંકલ્પ.

પીએમ મોદીની ડિગ્રી કેસ: અરવિંદ કેજરીવાલની અપીલ ગુજરાત હાઈકોર્ટે ફગાવી

પીએમ મોદીની ડિગ્રી કેસ: અરવિંદ કેજરીવાલની અપીલ ગુજરાત હાઈકોર્ટે ફગાવી

અમદાવાદ: ગુજરાત હાઈકોર્ટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી જાહેર કરવાના કેસમાં અરવિંદ કેજરીવાલની અપીલ ફગાવી દીધી છે. કોર્ટની ડબલ જજની બેન્ચે આ અપીલને ફગાવી હતી.

આ પહેલાં ગુજરાત હાઈકોર્ટના સિંગલ જજે અરવિંદ કેજરીવાલ પર 25,000 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. ત્યારબાદ કેજરીવાલે સિંગલ જજના ચુકાદા સામે રિવ્યૂ અરજી દાખલ કરી હતી, જેને સિંગલ જજે ફગાવી દીધી હતી. હવે ડબલ જજની બેન્ચે પણ તેમની અપીલ ફગાવી દીધી છે.

ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય માહિતી આયોગ (CIC)એ વડાપ્રધાનની ડિગ્રી જાહેર કરવા ગુજરાત યુનિવર્સિટીને હુકમ કર્યો હતો. તેની સામે યુનિવર્સિટી હાઈકોર્ટ ગઈ હતી. તેમાં અરવિંદ કેજરીવાલને યુનિવર્સિટીએ પક્ષકાર તરીકે જોડ્યા હતા.

અગાઉ 16 સપ્ટેમ્બર, 2026ના રોજ ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી યોજાઈ હતી, જેમાં કોર્ટે મહત્વની ટિપ્પણી કરતા કહ્યું હતું કે, યોગ્ય કાર્યવાહી વગર યુનિવર્સિટી ખાનગી માહિતી જાહેર કરી શકે નહીં. CICએ આ કેસમાં ડહાપણપૂર્વક વર્તવાની જરૂર હતી.

સોલિસિટર જનરલે હાઈકોર્ટમાં દલીલ કરતા જણાવ્યું હતું કે, શું માહિતીના અધિકાર હેઠળ ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીની ડિગ્રી જાહેર કરી શકાય? યુનિવર્સિટી લાખો વિદ્યાર્થીઓને ડિગ્રી આપતી હોય છે. પ્રધાનમંત્રી એક સંવિધાનિક પદ પર છે. તેમની ડિગ્રી જાહેર કરવામાં યુનિવર્સિટીને વાંધો હોય નહીં. સિંગલ જજે પણ નોંધ્યું હતું કે, યુનિવર્સિટીએ ડિગ્રી પબ્લિક ડોમેનમાં મૂકી છે.

સોલિસિટર જનરલે વધુમાં કહ્યું હતું કે, જો આ પ્રકારે ડિગ્રીઓ જાહેર કરવામાં અરજીઓ આવે તો આવી અરજીઓથી સંસ્થાઓ ઉભરાઈ જાય. અરવિંદ કેજરીવાલ કહે છે કે, તેઓએ કોઈ ડિગ્રી માગી નથી. પરંતુ, ડિગ્રી બતાડવાનો માહોલ ઉભો કરવો તે બદઈરાદાપૂર્વકનો છે. જો સિંગલ જજના હુકમ બાદ ખરેખર કેજરીવાલને પીએમની ડિગ્રીમાં રસ ન હોત તો તેઓ રિવ્યૂ અરજી દાખલ કરત નહીં.

કેજરીવાલ અને સંજયસિંહે પ્રેસ કોન્ફરન્સ યોજીને ગુજરાત યુનિવર્સિટીને બદનામ કરી. જેથી યુનિવર્સિટીએ બંને સામે ડિફેમેશનની ક્રિમિનલ ફરિયાદ મેજિસ્ટ્રેટ કોર્ટમાં દાખલ કરી છે. RTI એક્ટમાં કેટલીક બાબતોની મુક્તિ આપવામાં આવી છે, જેમાં સેક્શન 8માં જોગવાઈઓ કરેલી છે. શું આ માહિતીમાં લોકોનું વ્યાપક હિત રહેલું છે? યુનિવર્સિટી પાસે વિદ્યાર્થીઓની માહિતી તે ખાનગી માહિતી છે, તે સંદર્ભના ચુકાદાઓ પણ છે. પ્રાઈવસીનો સ્કોપ આજે બહુ મોટો છે.

આ યુનિવર્સિટી અને વિદ્યાર્થીઓ વચ્ચે આંતર વિશ્વાસનો સંબંધ છે. હા, કોઈ પોસ્ટ ઉપર લાયકાતનો પ્રશ્ન હોય કે ડોક્ટર બનવા માટે તબીબી ડિગ્રીની જરૂર હોય, તેની ઉપર શંકા હોય તો તેને જાહેર કરવામાં લોકહિત સમાયેલું છે. પરંતુ ફકત જિજ્ઞાસાવૃતિ હેઠળ માહિતી માંગી શકાય નહીં.

સોલિસિટર જનરલે કોર્ટ સમક્ષ કહ્યું હતું કે, કેજરીવાલને ચીફ ઇન્ફોર્મેશન ઓફિસરે કહ્યું કે તમારી ડિગ્રી માંગી છે, તે આપીએ? કેજરીવાલે કહ્યું પીએમની માંગી છે તે પણ આપો. CICએ યુનિવર્સિટીને ડિગ્રી જાહેર કરવા કહ્યું. આ માહિતીની બાબતમાં પીએમ કે યુનિવર્સિટી પક્ષકાર જ નહોતા.

કોર્ટે કહ્યું હતું કે, એક્ટિવિસ્ટ મોટા પ્રમાણમાં ખાનગી માહિતીઓ માગે છે. CICએ આ કેસમાં ડહાપણપૂર્વક વર્તવાની જરૂર હતી. આવા સંજોગોમાં RTI એક્ટનો દુરુપયોગ થવાની પૂરી શક્યતા છે. વ્યક્તિએ પોતાની પર્સનલ માહિતી જાહેર કરવી હોય તે જાતે કરશે. યોગ્ય કાર્યવાહી વગર યુનિવર્સિટી ખાનગી માહિતી જાહેર કરી શકે નહીં. સોલિસિટર જનરલે કહ્યું- અહીં ખાનગીપણાની જ વાત છે. વળી પીએમની પોસ્ટ માટે કોઈ ડિગ્રીની જરૂર છે જ નહીં.

કોર્ટના એક ચુકાદાને ટાંકતા જણાવ્યું હતું કે, જો વિદ્યાર્થી પોતાની ઉત્તરવહી માંગે તો પરીક્ષા બોડી આપે, પરંતુ થર્ડ પાર્ટીને નહીં. આમ વ્યક્તિ જાતે પોતાને લગતી માહિતી માંગી શકે, થર્ડ પાર્ટી નહીં.

પરીક્ષા બોડી પાસે વિદ્યાર્થીઓની માહિતી વિશ્વાસપાત્રતાના સિદ્ધાંત ઉપર હોય છે. માર્ક્સ, શારીરિક અને માનસિક સ્થિતિ, લખાણ, ગ્રેડ વગેરે ખાનગી માહિતી છે. શું છૂટછાટ આપવા માટે તેમાં મોટા પાયે લોકહિત સમાયેલું છે? તે જોવું પડે. કોઈની ડિગ્રી જોવી તેની જિજ્ઞાસા હોય, પણ શું તે લોકહિતનો મુદ્દો છે? લો ઓફિસર જે સરકારમાં હોદ્દો ધરાવતો હોય તેની ડિગ્રી જાહેર કરવાની માંગ તે લોકહિત છે, કારણ કે તે પોસ્ટ માટે તે જરૂરી છે.