સત્ય. સાહસ. સંકલ્પ.

CEC નહીં, સીધા PM મોદીનું રાજીનામું માંગો: કેજરીવાલની CJPને સલાહ

CEC નહીં, સીધા PM મોદીનું રાજીનામું માંગો: કેજરીવાલની CJPને સલાહ

દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે ચૂંટણી પંચ સામે ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો અંગે કોકરોચ જનતા પાર્ટી (CJP)ને મહત્ત્વની સલાહ આપી છે. તેમણે કહ્યું કે, ચૂંટણી પંચના અધિકારીઓએ જે કંઈ કર્યું છે તે 'બોસ'ના આદેશથી કર્યું છે, તેથી નાના અધિકારીઓ સામે વારંવાર પ્રદર્શન કરવાને બદલે સીધા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાજીનામાની માંગ સાથે આંદોલન કરવું જોઈએ.

કેજરીવાલે જણાવ્યું હતું કે, 'હું CJPને એક સંદેશ આપવા માંગુ છું. પહેલા તેઓ ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું માંગતા હતા, હવે જ્ઞાનેશ કુમારનું રાજીનામું માંગી રહ્યા છે. એક જ વારમાં બોસનું રાજીનામું લઈ લો ને.'

ચૂંટણી કમિશનરની ભૂમિકા અંગે વાત કરતાં તેમણે કહ્યું કે, 'વારંવાર કેટલી વાર લોકો જંતર-મંતર જશે અને કેટલી વાર આંદોલન કરશે? જ્ઞાનેશ કુમારે પોતાના માટે થોડી ગરબડ કરી, તેને શું મળ્યું? તેણે જે કંઈ કર્યું તે બોસ માટે કર્યું, બોસના કહેવાથી કર્યું. આ આંદોલન જ્ઞાનેશ કુમારના રાજીનામા માટે નહીં, પરંતુ નરેન્દ્ર મોદીના રાજીનામા માટે હોવું જોઈએ.'

આગામી સમયમાં થનારા પ્રદર્શનો અંગે તેમણે કહ્યું કે, 'આ મુદ્દો જનતા ઉઠાવશે અને જનતા રસ્તા પર ઉતરશે. કોકરોચ વાળાએ 2 ઑક્ટોબર માટે એલાન કર્યું છે, મને ખૂબ ખુશી છે કે હવે 140 કરોડ કોકરોચ રસ્તા પર ઉતરશે. હું આશા રાખું છું કે જ્ઞાનેશ કુમારે રાજીનામું પણ આપવું પડશે અને આપણે લોકોને SIRથી મુક્તિ મળશે.'

ચૂંટણી પંચના સોફ્ટવેર અને મતદાર યાદી સામે સવાલ ઉઠાવતાં તેમણે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી કે, 'તેમણે કોઈ સોફ્ટવેર બનાવ્યું છે જેણે ઘણા વિસ્તારોમાં SDMનો પાવર હટાવી દીધો અને દિલ્હી ચૂંટણી પંચમાં કેટલાક લોકો બેઠા છે, જેઓ કોઈનો પણ વોટ કાપી શકે છે અને ઉમેરી શકે છે. જ્ઞાનેશ કુમારજી પોતાની ઓફિસમાં બેસીને સમગ્ર દેશની મતદાર યાદી બનાવી રહ્યા છે. ગોવાનું જે ઉદાહરણ સામે આવ્યું છે, 97 લોકોના વોટ જોડવા માટે પત્ર લખતા રહ્યા પણ ન જોડ્યા.'

મતદાર યાદીની વ્યવસ્થા સામે રોષ વ્યક્ત કરતાં તેમણે કહ્યું કે, 'કોઈનો વોટ હટાવી શકે છે, કોઈનો જોડી શકે છે, તો પછી સરકારો બદલાઈ જ ન શકે. લોકશાહી શું છે? જો હું મારી સરકારથી ખુશ નથી તો હું સરકાર બદલી શકું છું. ચૂંટણીથી જનતા સરકાર બદલી શકે છે, પરંતુ લોકશાહીનું સત્યાનાશ વાળી દીધું છે. પંજાબની અંદર અમે ઘણી મોટી ટીમ બનાવી છે, જે સમગ્ર પ્રક્રિયા પર નજર રાખી રહી છે.'