સત્ય. સાહસ. સંકલ્પ.

કેદારનાથ મંદિરમાં પ્રથમ વખત 12 લાખ રુદ્રાક્ષનો શણગાર, વડોદરાના 2100 લોકોની 45 દિવસની મહેનત

કેદારનાથ મંદિરમાં પ્રથમ વખત 12 લાખ રુદ્રાક્ષનો શણગાર, વડોદરાના 2100 લોકોની 45 દિવસની મહેનત

વડોદરાની સત્યમ શિવમ સુંદરમ સમિતિએ કેદારનાથ મંદિર પરિસરમાં પ્રથમ વખત 12 લાખ રુદ્રાક્ષનો ભવ્ય શણગાર કર્યો છે. આ શણગાર દ્વારા માંજલપુરના પૂર્વ ધારાસભ્ય અને શિવભક્ત સ્વ. યોગેશ પટેલનો સંકલ્પ પૂર્ણ થયો છે.

સ્વ. યોગેશ પટેલે કેદારનાથ મંદિરમાં નેપાળથી ખાસ મંગાવેલા 12 લાખ અસલી રુદ્રાક્ષ ચડાવવાનો સંકલ્પ કર્યો હતો. પરંતુ રુદ્રાક્ષ આવી પહોંચે તે પહેલાં જ તેમનું નિધન થયું હતું. તેમના અધૂરા સ્વપ્નને પૂરું કરવા પરિવારજનો અને સમિતિના સભ્યોએ આગળ વધીને આ કામગીરી પૂરી કરી.

વડોદરા ખાતે રુદ્રાક્ષની અલગ અલગ લંબાઈની માળાઓ બનાવવા માટે 2100 વ્યક્તિઓએ દોઢ મહિના સુધી સતત કામ કર્યું હતું. રોજેરોજ આ કાર્યમાં સખી મંડળ, ભક્તો અને મંડળના સભ્યો જોડાયા હતા. અથાગ પ્રયાસો બાદ આ માળાઓ તૈયાર થઈ હતી.

સમિતિના સભ્યો 4 સપ્ટેમ્બરે જન્માષ્ટમીના દિવસે બસ દ્વારા કેદારનાથ જવા રવાના થયા હતા. શ્રાવણના અંતિમ સોમવારે (7 સપ્ટેમ્બર) તેઓ કેદારનાથ પહોંચ્યા હતા. ત્યાં સતત ત્રણ દિવસ સુધી 33 શિવભક્તોની ટીમે આખા મંદિરને શણગાર્યું હતું. 10 સપ્ટેમ્બરે આ કામ પૂર્ણ થયું હતું અને 14 સપ્ટેમ્બરે સમિતિના તમામ સભ્યો સુરક્ષિત રીતે વડોદરા પરત ફર્યા હતા.

આ પહેલાં કેદારનાથ મંદિરનો માત્ર એક ભાગ રુદ્રાક્ષથી શણગારાયો હતો, પરંતુ આ વખતે નંદી, રેલિંગ સહિતના ભાગને પણ રુદ્રાક્ષથી શણગારવામાં આવ્યા હતા. આ અલૌકિક શૃંગાર જોઈને ત્યાં હાજર શ્રદ્ધાળુઓ ભાવવિભોર થઈ ગયા હતા.

શણગાર માટે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર ધામીના મંત્રીમંડળ, સ્થાનિક જિલ્લા કલેક્ટર વિશાલ મિશ્રા, એસડીએમ તથા મંદિર પરિસરના આગેવાનો અને કિસાન ત્રિવેદી તથા હેમંત દ્વિવેદીએ સહયોગ આપ્યો હતો.

જોગાનુજોગ આ કામગીરી સાવલીવાળા સ્વામીની પુણ્યતિથિએ પૂર્ણ થઈ હતી. આ ધાર્મિક સેવા દ્વારા સમિતિના સભ્યોએ અને સ્વ. યોગેશ પટેલના પરિવારે દિલથી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી.