ઉત્તરાખંડના કેદારનાથ ધામમાં ખરાબ હવામાનને કારણે ફસાયેલા સુરતના 14 યાત્રાળુઓને હેલિકોપ્ટર દ્વારા સફળતાપૂર્વક બચાવી લેવાયા છે. સુરતના અલથાણ વિસ્તારમાં રહેતા આ ગ્રુપના 3 લોકો પહેલા બહાર આવ્યા હતા, જ્યારે બાકીના 11 લોકો ફસાયા હતા.
રંજનબેન પંચાલે બનાવેલો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં તંત્રએ તાત્કાલિક કાર્યવાહી કરી હતી. તેમણે વીડિયોમાં મદદની આજીજી કરી હતી. ત્યારબાદ ઉત્તરાખંડ વહીવટી તંત્ર દ્વારા હેલિકોપ્ટર મારફતે બાકીના તમામ 11 યાત્રાળુઓને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવાયા હતા.
રંજનબેન સાથે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું કે, રેસ્ક્યૂ કામગીરી દરમિયાન અનિશ્ચિતતાના માહોલમાં તેમણે અસ્વસ્થ થઈને વીડિયો બનાવ્યો હતો. હાલ તમામ 14 યાત્રાળુઓ સુરક્ષિત છે અને દર્શન પૂર્ણ કરીને ટૂંક સમયમાં સુરત પરત ફરશે. યાત્રાળુ પરિવારે વહીવટી તંત્રના સહયોગ બદલ આભાર માન્યો છે.